લોકોએ લોટરી લાગ્યાનું- મેળ પડ્યાનું કહેતા ભડક્યા રાજ્યસભાના સાસંદ, કહ્યું- મારી જિંદગીના 25 વર્ષ બળદિયાની જેમ કામ કર્યું છે ત્યારે અહીં પહોંચ્યો
વ્યવસાયે કેમિકલ એન્જિનિયર કેવી રીતે ભાજપમાં આવ્યો તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. નિરમા યુનિવર્સિટીમાં ભણતા એક મિત્ર થકી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં આવ્યા અને તે થકી તેઓ ભાજપ યુવા મોરચામાં જોડાયા.
તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીના ચાર સાસંદ રાજ્યસભામાં બિનહરીફ વિજેતા થયા છે. આ ચાર પૈકી એક સાસંદ માનસિંહ પરમાર પણ છે. જેમનો ગીર સોમનાથના પ્રાંચીમાં સત્કાર સમારોહ યોજાયો હતો. આ સત્કાર સમારોહના મંચ પરથી માનસિંહે તેમના સ્વભાવ પ્રમાણે રોકડુ પરખાવ્યું હતું. માનસિંહે, ભાજપના ઓબીસી મોરચાના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારનો એક કિસ્સો ટાંક્યો હતો. તેમણે આ કિસ્સાને પોતાના સંબોધનમાં વણી લઈને માનસિંહે કહ્યું કે, ભાજપમાં બધાને એમને એમ નથી મળતું. તેના માટે સખત મહેનત કરવી પડતી હોય છે.
માનસિંહ પરમારને જ્યારે લોકો લોટરી લાગી કે મેળ પડ્યો તેમ કહેતા ત્યારે અકળાઈ ઉઠતા હતા. આ વાતનો તેમણે જાહેર ખુલાસો પ્રાંચી ખાતેના સત્કાર સમારોહના મંચ પરથી કર્યો હતો. ભાજપના નવા નવા રાજ્યસભાના સાસંદ બનેલા માનસિંહે કહ્યું કે, મને લોકો કહેતા કે લોટરી લાગી, મેળ પડી ગયો. પરંતુ મારો મેળ નથી પડ્યો. મેળ તો મેળ તો રાહુલ ગાંધીનો પડ્યો છે. મેળ તો અખિલેશ યાદવને પડ્યો હતો. તેજસ્વી યાદવનો પડ્યો છે મેળ. મેં સંઘર્ષ કર્યો છે. મહેનત કરી છે. મેં મારી જિંદગીના 25 વર્ષ આપી દીધા છે. મહેનત કરી ત્યારે હું અહીં પહોંચ્યો છું.
માનસિંહે વધુમાં કહ્યું કે, એક પાર્ટીના કાર્યકર્તા તરીકે બળદની જેમ કામ કર્યું છે અને બળદની જેમ કામ કરું છું. સમગ્ર જીવન બળદની જેમ માત્રને માત્ર પાર્ટી માટે કામ કરીશ. અમસ્થા મેળ ના પડે ભાઈ. આ ભાજપ છે. વર્ષોના સંઘર્ષ પછી થતું હોય છે. લોકો એમને એમ કહેતા હોય છે કે લોટરી લાગી. મેળ પડી ગયો.
વ્યવસાયે કેમિકલ એન્જિનિયર કેવી રીતે ભાજપમાં આવ્યો તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. નિરમા યુનિવર્સિટીમાં ભણતા એક મિત્ર થકી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંપર્કમાં આવ્યા અને તે થકી તેઓ ભાજપ યુવા મોરચામાં જોડાયા. જો કે માનસિંહને તો ક્રિકેટર બનવું હતું. વડોદરામાં કિરણ મોરે એકેડમીમાં તાલિમ લઈને કારકિર્દી ઘડવાનો શોખ હતો.