હવે તંત્ર કંઈ સામુ જુએ તો સારુ: ભાવનગરમાં બિસમાર રસ્તા અને રખડતા ઢોરની સમસ્યાએ મુકી માઝા- જુઓ Video

|

Aug 11, 2024 | 4:10 PM

ભાવનગરમાં બિસમાર રસ્તાઓ અને રખડતા ઢોરની સમસ્યાથી સ્થાનિકો પારાવાર પરેશાન છે. ખરાબ રસ્તા અને રસ્તામાં ગમે ત્યાં અડિંગો જમાવીને બેસેલા રખડતા ઢોરોને કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. ટ્રાફિકની સમસ્યાએ પણ માઝા મુકી છે અને તંત્ર છે કે જાગવાનુ નામ નથી લઈ રહ્યુ.

ભાવનગર શહેર હાલાકીનું સ્થળ બની ગયું છે. ક્યાંક રસ્તા બિસ્માર તો ક્યાંક ઠેર-ઠેર રખડતા ઢોર. શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા છે. રસ્તા પર ગમે ત્યાં અડિંગો જમાવી લે છે. જેના કારણે ટ્રાફિક થાય છે. સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે.અનેક અકસ્માતો પણ સર્જાઇ ચૂક્યા છે. દુર્ઘટનામાં અનેક લોકોના મોત થઇ ચૂક્યા છે. છતાં, પાલિકા કોઇ કામગીરી નથી કરી રહી તેવું લાગી રહ્યું છે. હાલ, ચોમાસામાં તો વધારે ઢોર રસ્તા પર આવી જાય છે. તંત્રની સાથે પશુપાલકોની પણ એટલી જ બેદરકારી છે. જે પોતાના ઢોરની કાળજી રાખતા નથી અને રસ્તા પર રખડવા મૂકી દે છે. જેના કારણે લોકોમાં રોષ છે. લોકોએ રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવા માગ કરી છે.

મહત્વનું છે, ભાવનગરમાં 5 જેટલા પાંજરાપોળ છે. પરંતુ, 10થી વધારે ઢોર પકડવાની કામગીરી થતી નથી અને રસ્તા પર 10 ગણા વધુ ઢોર થઇ ગયા છે. આ મુદ્દે અવારનવાર વિપક્ષોએ આંદોલનો પણ કર્યા છે. જો કે કોઇ તંત્ર હજી સુધી કોઇ ઉકેલ લાવી શક્યું નથી. 25 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં સ્થિતિ ખરાબ છે. ઉલ્લેખનીય છે, તંત્રએ ઢોરવાડાની સંખ્યામાં વધારો કરવો જરૂરી છે. ઉપરાંત, પશુપાલકોને યોગ્ય રીતે સમજાવી જરૂરી કાર્યવાહી કરવી પણ જરૂરી છે. નહીંતર, અનેક દુર્ઘટના સર્જાતી રહેશે અને લોકો જીવ ગુમાવતા રહેશે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video