સુરતમાં ‘ભાજપ નેતા’ જ SMC સામે પડ્યા, મીડિયા રિપોર્ટ બાદ ગેરકાયદે બાંધકામ ‘જમીનદોસ્ત’ – જુઓ Video
સુરતમાં ભાજપના પૂર્વ પ્રમુખ નીતિન ભજીયાવાલાની ફરિયાદ બાદ રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ તોડવાની કામગીરી કરાઈ છે. અધિકારી પર રાજકીય દબાણના આક્ષેપો વચ્ચે મીડિયા અહેવાલ બાદ SMC હરકતમાં આવ્યું, જેણે પાલિકાની કામગીરી અને જવાબદારી પર અનેક સવાલો ઊભા કર્યા છે.
સુરતમાં ભાજપના પૂર્વ શહેર પ્રમુખ અને કોર્પોરેટર નીતિન ભજીયાવાલાએ પોતાના નિવાસસ્થાન નજીક થઈ રહેલા કથિત ગેરકાયદે કોમર્શિયલ બાંધકામ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમની ફરિયાદ બાદ સુરત મહાનગરપાલિકા (SMC)ની કાર્યવાહી પર અનેક સવાલો ઊભા થયા છે.
ભજીયાવાલાએ જણાવ્યું કે, ફરિયાદ કરવા છતાં સેન્ટ્રલ ઝોનના અધિકારી રાજેશ ગાંજાવાલાએ રાજકીય દબાણનો હવાલો આપી કાર્યવાહીમાં વિલંબ કર્યો હતો.
આ મામલો મીડિયામાં આવ્યા બાદ SMC તંત્ર હરકતમાં આવ્યું હતું અને અધિકારીઓની હાજરીમાં આ ગેરકાયદે બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મહિનાઓથી ચાલી રહેલા આ ગેરકાયદે બાંધકામ સામે મીડિયા અહેવાલ બાદ જ તંત્રએ પગલાં લીધા હોવાનું સ્પષ્ટ થયું છે.
અધિકારીઓ દ્વારા પ્રારંભિક તબક્કે નોટિસ અપાઈ હોવાનું જણાવાયું હતું પરંતુ લાંબા સમય સુધી કાર્યવાહી ન થતા અને મીડિયાની દખલગીરી બાદ થયેલી આ કામગીરી મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ પર પ્રશ્નાર્થ ઊભો કરે છે.
