પીવાનું પાણી ન આપી શકતું ‘તંત્ર’ કયા મોઢે વિકાસની વાતો કરે છે? દાયકાઓ જૂની સમસ્યાથી જનતા ત્રસ્ત, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતા જામનગરમાં વિકાસના દાવા વચ્ચે પાણીની ગંભીર સમસ્યા સામે આવી છે. શહેરના વોર્ડ નંબર 1 માં આજે પણ લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે અને હજારો લોકો ટેન્કરના સહારે જીવવા મજબૂર છે.
જામનગરમાં વિકાસના દાવા વચ્ચે સ્થાનિકો પાણી માટે વલખાં મારવા મજબૂર થયા છે. વાત એમ છે કે, સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું જામનગર દાયકાઓથી પાણીની સમસ્યાથી પરેશાન છે, કારણ કે વિકાસના દાવાઓ વચ્ચે આજે પણ જામનગરમાં પાણીની અછતે ટેન્કર રાજ ચાલી રહ્યું છે.
વોર્ડ નંબર 1 એટલે કે બેડી વિસ્તારમાં આવેલા જોડિયા ભૂંગા વિસ્તારના સ્થાનિકોનું કહેવું છે કે, તેમને ત્યાં પૂરતા પ્રમાણમાં પાણી નથી આવતું અને જે પાણી આવે છે તે અશુદ્ધ હોય છે, જેના લીધે 8 હજાર લોકો ટેન્કરના સહારે રહેવા મજબૂર થયા છે અને સ્થાનિક મહિલાઓ દૂર જઈને પાણી લાવવા મજબૂર થઈ છે.
સત્તાપક્ષના નેતાઓનું પણ કહેવું છે કે, અનેક રજૂઆતો છતાં માત્ર વોર્ડ નંબર 1 માં જ પાણીની સમસ્યાનું નિરાકરણ આવતું નથી. આ બધા વચ્ચે સવાલ ઊઠે છે કે, જો અધિકારીઓ નેતાઓનું નથી માનતા તો સામાન્ય માણસની શું હાલત થશે? આથી સ્થાનિક મહિલાઓએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને વહેલી તકે પાણીની સમસ્યા દૂર થાય તેવી માગ ઊઠી છે.
આ તરફ મનપાના વોટર વર્કસના અધિકારીનું કહેવું છે કે, ટૂંક સમયમાં નર્મદાનું પાણી મળી રહેતા અને પાણી તેમજ ગટરની લાઈનમાં ભંગાણનું સમારકામ કરાવીને પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.