રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી માટે મતદાનનું આજે આયોજન કરવામાં આવ્યુ છે. આજે સાંજના 4 વાગ્યા સુધી મતદાન ચાલશે. 21 ડિરેક્ટરોની ચૂંટણીમાં સહકાર પેનલના 6 ડિરેક્ટર બિનહરીફ થયા છે. જ્યારે સહકાર પેનલના 15 અને સંસ્કાર પેનલના 11 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામ્યો છે.
મતદાન બુથ પર 35 પોલીસકર્મી ખડેપગે સજ્જ છે. કુલ 7 મતદાન મથકો પર ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યુ છે. અમદાવાદ, સુરત અને મુંબઈમાં મતદાન મથક પણ રાખવામાં આવ્યા છે. 80 વર્ષથી વધુની ઉંમરના મતદારોને આવવા-જવા માટે વ્યવસ્થા કરાઈ છે. 28 વર્ષ બાદ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ છે.
ઉલ્લેખનીય છે કે સહકાર પેનલએ જ્યોતીન્દ્ર મહેતાની છે. જ્યારે સંસ્કાર પેનલ કલ્પક મણિયારની છે. આમ ચૂંટણીમાં મામા-ભાણેજનો જંગ જામ્યો છે. ભાજપ જ્યોતીન્દ્ર મહેતાની સહકાર પેનલને સમર્થન આપી રહ્યું છે. તો ભાજપના વરિષ્ઠ આગેવાન સુરેન્દ્ર પટેલ પણ ડિરેક્ટર તરીકે સહકાર પેનલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે 28 વર્ષ બાદ યોજાઈ રહેલી ચૂંટણીમાં કોનું પલ્લું ભારે રહે છે તે પરિણામો બાદ જ સામે આવશે.
Published On - 10:33 am, Sun, 17 November 24