વિદ્યાર્થીઓ પાસે વૈતરૂ ! છોટાઉદેપુરમાં વિદ્યાર્થીઓ પાસે અભ્યાસકાર્યને બદલે મજૂરી કરાવવામાં આવતી હોવાનો VIDEO VIRAL
નસવાડીના લીંડા શિક્ષણ સંકુલમાં 40 જેટલા વિદ્યાર્થીઓ પાસે બેન્ચ, ખુરશી, ગાદલા સહિતનો સામાન ઉંચકાવવામાં આવ્યો, જેનો વીડિયો વાયરલ થયો છે.
છોટા ઉદેપુરમાં વિદ્યાર્થીઓ પાસે અભ્યાસકાર્યને બદલે મજૂરી કરાવવામાં આવી. નસવાડીના લીંડા શિક્ષણ સંકુલમાં 40 જેટલા વિદ્યાર્થીઓ પાસે બેન્ચ, ખુરશી, ગાદલા સહિતનો સામાન ઉંચકાવવામાં આવ્યો. શાળાના શિક્ષકો કે સંચાલકોએ અભ્યાસ કરવા આવતા આદિવાસી બાળકો પાસે મજૂરી કામ કરાવડાવ્યુ. આ વિદ્યાર્થીઓ ટેમ્પોમાં સામાન ભરતા હોય તેવો વીડિયો એક જાગૃત નાગરિકે ઉતારીને વાયરલ કર્યો.
આ રીતે ભણીને આગળ વધશે ગુજરાત ?
જે બાદ જિલ્લા પંચાયતના સભ્યએ શાળા તંત્રની કરતૂત પર સવાલ ઉઠાવ્યા છે. આ શૈક્ષણિક સંકુલમાં અગાઉ ભોજનની ગુણવત્તાને લઈ પણ સવાલ ઉઠ્યા હતા. અત્યાર સુધી સ્કૂલમાં વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ પાસે સાફસફાઈ કરાવાતી હોવાના વીડિયો તો તમે જોયા હશે, પરંતુ થોડા દિવસ અગાઉ રાજકોટના કોઠારિયાની શાળામાં રીતસર બાળમજૂરી કરાવાતી હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
જેમાં શિક્ષકો અને આચાર્યની હાજરીમાં વિદ્યાર્થિનીઓ ઈંટો ઉપાડતી જોવા મળી રહી હતી. જે કામ શ્રમિકોનું છે, તે કામ વિદ્યાર્થીઓ પાસે કરાવવું કાયદાની વિરૂદ્ધનું પગલું છે. કારણ કે બાળમજૂરી કરાવવી એ ગુનો છે,પરંતુ સમગ્ર રાજ્યની ઘણી સરકારી શાળાઓનો સળગતો પ્રશ્ન છે.