Viral Video: ફરી એકવાર સિંહની કરાઈ પજવણી, પાછળ વાહન ભગાવી સિંહને દોડાવતો વીડિયો થયો વાયરલ
Amreli: સૌરાષ્ટ્રમાં ફરી એકવાર સિંહની પજવણી સામે આવી છે. સિંહની પાછળ વાહન દોડાવી પજવણી કરતો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ક્યાંનો છે તે હજુ સુધી જાણી શકાયુ નથી. જો કે વાયરલ વીડિયોને પગલે અમરેલી અને જૂનાગઢ વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઈ છે.
સિંહની પજવણીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. સિંહની પાછળ વાહન દોડાવી સિંહને દોડાવવામાં આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ફુલ સ્પીડથી સિંહની પાછળ વાહન દોડાવવામાં આવી રહ્યુ છે અને સિંહ આગળ દોડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, જુનાગઢ અને ગીરસોમનાથ જિલ્લામાં મોટાભાગના સિંહોનો વસવાટ છે.
સિંહની પાછળ વાહન દોડાવી કરાઈ પજવણી
અનેકવાર આ સિંહો રેવન્યુ વિસ્તારમાં શિકારની શોધમાં આવી ચડે છે. ત્યારે કેટલાક તોફાની તત્વો આ પ્રકારે તેમની પજવણી કરતા હોય છે. તેમને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ સતત આવી ઘટનાઓ સામે આવતી રહે છે. આજે ફરીવાર આ પ્રકારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સિંહપ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: Amreli : રાજુલામાં સિંહની પજવણી કરનાર શખ્સની વન વિભાગે ધરપકડ કરી
સિંહની પજવણીનો વીડિયો વાયરલ થતા વન વિભાગ આવ્યું હરકતમાં
હાલ સિંહની પાછળ વાહન દોડાવવાનો આ વીડિયો વાયરલ થયા બાદ વન વિભાગ હરકતમાં આવ્યુ છે. આ વીડિયો ક્યાનો છે. તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રથમ દૃષ્ટિએ જોતા આ વીડિયો રેવન્યુ વિસ્તારનો હોય તેવુ લાગી રહ્યુ છે. હાલ વીડિયો અંગે પાલિતાણા શેત્રુંજી ડિવિઝન વન વિભાગ અને ધારી ગીર પૂર્વ વન વિભાગ અને જુનાગઢ વન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
સિંહની પજવણી કરનારા વાહન ચાલક સુધી પહોંચવા માટે વન વિભાગે કવાયત શરૂ કરી છે. જો કે આ ઘટના ક્યા વિસ્તારની છે તેને લઈને પણ વન વિભાગ અવઢવમાં મુકાયુ છે.
ઈનપુટ ક્રેડિટ- જયદેવ કાઠી- અમરેલી
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…