આણંદ: કરમસદની મેડિકલ હોસ્પિટલ વિવાદના વમળમાં, આયુષ્માન કાર્ડ સ્વીકારવાનો ઇનકાર કરી દર્દી પાસે મસમોટું બિલ વસૂલ્યું

| Edited By: | Updated on: Feb 15, 2026 | 9:27 PM

આણંદની કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હોવા છતાં ગરીબ દર્દીની મફત સારવાર કરવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો. હોસ્પિટલ સ્ટાફે દર્દીના સગા સાથે ગેરવર્તન કરી 60 હજાર રૂપિયાનું બિલ વસૂલ્યું હોવાના આક્ષેપ સાથેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આણંદના કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. શ્વાસની તકલીફ ધરાવતા એક દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ તંત્રએ આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. દર્દીના પરિવારે આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલે પરાણે 60 હજાર રૂપિયાનું બિલ વસૂલ્યું છે.

આ દરમિયાન હોસ્પિટલ સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં સ્ટાફ સભ્ય દર્દીના પરિવાર પર રોફ ઝાડતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. સામે પક્ષે હોસ્પિટલે પણ દર્દીના સંબંધીઓ પર અભદ્ર વર્તનના પ્રતિઆક્ષેપ કર્યા છે. હાલ પીડિત પરિવારે આ મનસ્વી વહીવટ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

ગરીબ જનતા માટે આશીર્વાદ સમાન બનેલી સરકારી યોજનાઓનો અમલ કરવાને બદલે, કરમસદ જેવી હોસ્પિટલોમાં દર્દીઓને આયુષ્માન કાર્ડ હોવા છતાં હેરાન કરવામાં આવે છે અને મસમોટા બિલ વસૂલવામાં આવે છે. પીએમ મોદીના ડિજિટલ ઇન્ડિયા અને હેલ્થ મિશનના સપનાને આવા ‘રોફ ઝાડતા’ કર્મચારીઓ જ ધૂળમાં મેળવી રહ્યા છે. શું આવા સંવેદનહીન સ્ટાફ સામે સરકાર કડક પગલાં લેશે ખરા?

ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ, વાંચવા માટે અહીં ક્લિક કરો