Gujarati Video : બનાસકાંઠાનું એક ગામ વીજળી સહિતની પ્રાથમિક સુવિધાઓથી વંચિત, આટલા વર્ષો પછી પણ નથી પહોંચ્યો વિકાસ

| Edited By: | Updated on: Mar 04, 2023 | 1:25 PM

Banaskantha News : શક્તિપીઠ અંબાજી આ ગામથી માત્ર 10 કિલોમીટરના અંતરે છે. છતાં જીવન જરૂરિયાતની સુવિધાઓથી આ ગામ વંચિત છે. ગામમાં ન તો પાકા રસ્તા છે, ન તો પીવાના પાણીની સુવિધા.

આઝાદીના આટલા વર્ષો પછી પણ ગુજરાતના એક ગામમાં લોકોના ઘર સુધી વીજળી નથી પહોંચી. બનાસકાંઠાના દાંતા તાલુકામાં આવેલા અંતરિયાળ ગામ જામવેરામાં આ સ્થિતિ જોવા મળી રહી છે. નવાઈની વાત એ છે કે શક્તિપીઠ અંબાજી આ ગામથી માત્ર 10 કિલોમીટરના અંતરે છે. છતાં જીવન જરૂરિયાતની સુવિધાઓથી આ ગામ વંચિત છે. ગામમાં ન તો પાકા રસ્તા છે, ન તો પીવાના પાણીની સુવિધા, ન તો વીજળી છે, ન તો આરોગ્યની સુવિધા. ગ્રામજનો પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત રહેતા લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

બાળકોને અભ્યાસમાં પડી રહી છે હાલાકી

વીજળી વગરનું આ ગામ વિકાસની વાતનો છેદ ઉડાડે છે તેવું કહીએ તો જરા પણ અતિશયોક્તિ નહીં ગણાય. ગ્રામજનોનું માનીએ તો ઘરે-ઘરે વીજળી પહોંચે તે માટે ફોર્મ ભરવા સહિતની ઔપચારિકતા ઘણીવાર થઈ છે, પરંતુ આજદિન સુધી લોકોના ઘર સુધી વીજળી નથી પહોંચી. જેને કારણે બાળકોને અભ્યાસમાં તકલીફ પડે છે, તો મહિલાઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ વન્ય વિસ્તાર હોવાથી રાત્રીના સમયે જંગલી પશુઓનો પણ ભય તોળાઈ રહ્યો છે.

પ્રાથમિક સુવિધાઓનો અભાવ

આ તરફ દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડીનું કહેવું છે કે, દાંતા વિસ્તારના અંતરિયાળ વિસ્તારોમાં વીજળી, પાણી, રસ્તા, ગટર અને શિક્ષણ સહિતની સુવિધાઓ મળે તે માટે તેમણે પણ સરકારમાં રજૂઆતો કરી છે. ધારાસભ્યને આશા છે કે આગામી દિવસોમાં વિકાસનો વાયર દાંતાના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે અને લોકોને વિવિધ સુવિધાઓ મળે.

સ્થાનિકોની માગ અને ધારાસભ્યની રજૂઆતને પગલે સ્થાનિક તંત્ર પણ સક્રિય બન્યું છે. દાંતાના અંતરિયાળ ગામોનો પણ વિકાસ થાય તે માટે જિલ્લાનું તંત્ર પ્રયત્નશીલ છે, પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ અને વનવિભાગના કાયદા કાનૂનની મર્યાદાઓ નડતી હોવાનું અધિકારી જણાવી રહ્યા છે.

Published on: Mar 04, 2023 01:18 PM