Video: મહેસાણામાં ટ્રાફિકની સમસ્યા બની માથાનો દુ:ખાવો, ટ્રાફિક સિગ્નલ બન્યા શોભાના ગાંઠિયા સમાન
Mehsana: ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધુ વિકરાળ બની રહી છે. જો કે પાલિકા પાસે પણ આ ટ્રાફિકની સમસ્યાનો નિવેડો લાવવા માટેનો કોઈ ઉકેલ જણાતો નથી અને ટ્રાફિક સિગ્નલ છેલ્લા ઘણા સમયથી શોભામા ગાંઠિયા સમાન બંઝ હાલતમાં છે.
મહેસાણા જેમ જેમ વિકસી રહ્યું છે તેમ તેમ તેની સમસ્યાઓ પણ વિકસી રહી છે. જોકે તેનો ઉકેલ લાવવામાં તંત્રને રસ દેખાતો નથી. અહીં લાખોના ખર્ચે બનાવેલા ટ્રાફિક સિગ્નલ કેટલાય સમયથી બંધ પડ્યા છે, જેને કારણે રોજ હજારો લોકો ટ્રાફિકમાં હેરાન થાય છે પણ પાલિકા બહાના કાઢે છે.
લાખોના ખર્ચે લગાવાયેલા આ ટ્રાફિક સિગ્નલ માત્ર દેખાવ માટેના બની ગયા છે કારણ છે તંત્રની ઘોર બેદરકારી. મહેસાણા શહેરમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા તંત્રએ રાધનપુર ચાર રસ્તા, મોઢેરા ચાર રસ્તા અને માનવ આશ્રમ ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ લગાવ્યા હતા. 7 વર્ષ પહેલા 50 લાખના ખર્ચે આ સિગ્નલ લગાવાયા હતા. પરંતુ થોડા મહિનાઓમાં જ તે બંધ થઇ જતા ટ્રાફિકને કારણે થતી હાલાકી જેમની તેમ રહી. કલાકો સુધી અહીં રહે છે ટ્રાફિક જામ. જેમાં લોકોની પરેશાનીનો પાર નથી.
આટલી મુશ્કેલી, આટલો ટ્રાફિક જામ છતાં તંત્ર ન તો સિગ્નલને શરૂ કરે છે ન તો બદલે છે. જે તે સમયે ટ્રાફિક સિગ્નલ નાંખનાર એજન્સીને રિપેરિંગ માટે જણાવવા છતાં એજન્સીએ વાત મન પર જ ન લીધી. ઉપરથી પાલિકા હવે જવાબદારી પોલીસ વિભાગ પર ઢોળી રહી છે.
હાલમાં મોઢેરા સર્કલ પર અંડર પાસ બની જતા તેનો બધો જ ટ્રાફિક રાધનપુર ચાર રસ્તા તરફ આવે છે. જેના કારણે પિક અવર્સમાં કલાકો સુધી ટ્રાફિક જામ રહે છે. ત્યારે શહેરના લોકોની આ સમસ્યાને નહીં ઉકેલતાં વિપક્ષે સત્તા પક્ષની ઝાટકણી કાઢી છે. આ એવી સમસ્યા છે જેમાં લોકો ક્યારેક નહીં પરંતુ સવાર સાંજ રોજ પીડાય છે. પિક અવરમાં તો લોકોનો કલાકો સુધીનો સમય વેડફાય છે. ઈંધણનો ખર્ચો અલગ ત્યારે લોકોની માગ ઉગ્ર બની રહી છે કે સિગ્નલને ઝડપથી ચાલુ કરાય.