Video : રાજકોટમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના કૌભાંડનો પર્દાફાશ, પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી

| Edited By: | Updated on: Jan 20, 2023 | 3:17 PM

Rajkot News : પોલીસના કહેવા પ્રમાણે આ ષડયંત્રનો પ્લાન ભરત બોરીચા અને તેજસ જસાણી નામના શખ્સે બનાવ્યો હતો. આ માટે તેજસ અને ભરત વિમલ સોની નામના શખ્સની ઓફિસે ગયા હતા.

રાજકોટમાં નકલી ચલણી નોટો ઘૂસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી છે. પોલીસના દાવા પ્રમાણે, ગત અઠવાડિયે એક્સિસ બેન્ક દ્વારા 500 રૂપિયાના દરની 31 નકલી નોટો જમા થઈ હોવાની ફરિયાદ કરાઈ હતી. જેના આધારે તપાસ ચાલી રહી હતી. તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી હકીકત જાણવા મળી. તપાસમાં સામે આવ્યું કે જે શખ્સે બેન્કમાં રૂપિયા જમા કરાવ્યા હતા તે શખ્સ પાસે આંગડિયા પેઢીમાંથી નકલી નોટો આવી હતી. જે બાદ પોલીસે આંગડિયા પેઢીમાં તપાસ કરી હતી. આંગડિયા પેઢીમાંથી જાણવા મળ્યું કે ભરત બોરિચા નામનો શખ્સ આ રૂપિયા જમા કરાવી ગયો હતો. જેના આધારે પોલીસે ભરત બોરિચાના નામના શખ્સની પૂછપરછ કરતાં તેણે ગુનાની કબૂલાત કરીને આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો.

ભરત બોરિચા અને તેજસ જસાણીએ ઘડ્યું હતું કાવતરું

પોલીસના કહેવા પ્રમાણે આ ષડયંત્રનો પ્લાન ભરત બોરીચા અને તેજસ જસાણી નામના શખ્સે બનાવ્યો હતો. આ માટે તેજસ અને ભરત વિમલ સોની નામના શખ્સની ઓફિસે ગયા હતા. જ્યાં વિમલે કહ્યું હતું કે- તેનો એક મિત્ર ગુરપિતસિંહ નકલી નોટ સપ્લાય કરી શકે છે. ત્યારબાદ વિમલના ભાઇએ ભરત અને તેજસની ગુરપિતસિંહ સાથે મુલાકાત કરાવી હતી. ગુરપિતસિંહે કહ્યું હતું કે- મહારાષ્ટ્રના પુણેમાં રહેતો તેનો મિત્ર કમલેશ સપ્લાય કરશે. જે ડીલ નક્કી કરતા કમલેશે પુણેથી નકલી નોટ ભરત અને તેજસને આપી હતી અને શહેરની અલગ-અલગ આંગડિયા પેઢીમાં વટાવી.

પોલીસે સમગ્ર ઘટનામાં પાંચ આરોપીની ધરપકડ કરી છે. જામનગર, રાજકોટથી અઢી લાખ રૂપિયા જેટલી રકમ જપ્ત કરી છે. પોલીસની એક ટીમ તપાસ માટે પુણે પહોંચી છે. કૌભાંડમાં કોણ કોણ સંડોવાયેલું છે? નોટો ક્યાં છપાતી હતી ? આ તમામ સવાલોનો જવાબ મેળવવા પોલીસ તપાસ કરી રહી છે.