Video: જૂનાગઢના ભેંસાણમાં લોકો સ્મશાન માટે આખા વર્ષના લાકડા ભેગા કરી ઉત્તરાયણ પર્વની કરે છે ઉજવણી

Video: જૂનાગઢના ભેંસાણમાં લોકો સ્મશાન માટે આખા વર્ષના લાકડા ભેગા કરી ઉત્તરાયણ પર્વની કરે છે ઉજવણી

| Edited By: | Updated on: Jan 14, 2023 | 10:11 PM

Junagadh: ભેંસાણમાં ઉત્તરાયણ પર્વે લાકડાનુ દાન કરવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. અહીં લોકો આસપાસમાંથી લાકડા લાવી સ્મશાનમાં પહોંચાડે છે. સ્મશાનમાં આખુ વર્ષ ચાલે તેટલા પ્રમાણમાં લાકડા એકત્રિત કરી તેને વ્યવસ્થિત વરસાદમાં પલળે નહીં તેમ ગોઠવવામાં આવે છે.

રાજ્યભરમાં ઉત્તરાયણની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણ પર્વની લોકો વિવિધ રીતે ઉજવણી કરતા હોય છે. જુનાગઢના ભેંસાણના લોકો પણ અલગ જ રીતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરે છે. ઉત્તરાયણના દિવસે દાન આપી પૂણ્ય કમાવાનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે જૂનાગઢના ભેંસાણમાં અનોખી રીતે ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવી. અહીં દર ઉત્તરાયણે લોકો સ્મશાન માટે લાકડા ભેગા કરી મકર સંક્રાતિની ઉજવણી કરે છે. આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

આ વર્ષે પણ વિસાવદરના ધારાસભ્ય અને લોકોએ આસપાસના ગામેથી લાક્ડા એકત્રિત કરી સ્મશાનમાં દાન કર્યા હતા. ભેંસાણમાં યુવાનો વર્ષોથી પતંગ નથી ચગાવતા પરંતુ સ્મશાનમાં વર્ષ દરમિયાન જરૂર પડે તેટલા લાકડા કાપી અને એકત્રિત કરે છે. ત્યારબાદ સ્મશાનમાં દાન કરી અનોખી સેવા કરી રહ્યાં છે. જુનાગઢના ભેસાણ તાલુકામાં વર્ષોથી આ પરંપરા ચાલી આવી છે.

છેલ્લા 30 વર્ષથી ભેંસાણના યુવાનો સ્મશાનમાં લાકડાનું દાન કરી રહ્યાં છે. યુવાનો વર્ષ દરમિયાન આસપાસના ગામમાં ઘર પાસે પડી ગયેલા વૃક્ષોની નોંધ કરે છે ત્યારબાદ ઉત્તરાયણના દિવસે 300થી વધુ યુવાનો ભેગા થઈ લાકડાં સ્મશાને લઈ આવે છે. ત્યારબાદ લાકડાને વ્યવસ્થિત કાપી સ્મશાનમાં ગોઠવે છે. જેથી વર્ષ દરમિયાન અગ્નિ સંસ્કાર માટે આવતા લોકોને તકલીફ ન પડે.

આ પણ વાંચો: Video : વડોદરામાં ઉતરાયણની મજા માણવા માટે વિદેશથી NRI પણ આવ્યા વતનમાં

70 વર્ષ સુધીના લોકો લાકડા ભેગા કરે છે

ભેસાણમાં ધારાસભ્ય યુવાનો સાથે જોડાઈ લોકસેવાનું કાર્ય કરે છે. આ કામ કરવાની પરંપરા વર્ષોથી અહીંના લોકોએ જાળવી રાખી છે. અહીં કોઈ વ્યક્તિ એકબીજાને કામ ચીંધતું નથી, પરંતુ મકર સંક્રાંતિના દિવસે સવારથી જ દરેક લોકો આ સ્મશાને પહોંચી જાય છે અને અહીં સ્મશાન માટે લાકડા ભેગા કરવાનું કામ કરે છે. સ્મશાનમાં પણ લોકો વરસાદમાં લાકડા પણ પલળે નહીં એવી વ્યવસ્થિત રીતે ગોઠવણ કરી અને ભોજન લઈ દરેક લોકો છૂટા પડે છે. 25 વર્ષથી લઈને 70 વર્ષ સુધીના દરેક લોકો આ કાર્યમાં જોડાય છે.

ઈનપુટ ક્રેડિટ- વિજયસિંહ પરમાર- જુનાગઢ

Published on: Jan 14, 2023 10:00 PM