Video: નવસારીમાં શિક્ષણ વ્યવસ્થાની ખૂલી પોલ, ચીખલીના વાંઝણા ગામમાં વિદ્યાર્થીઓને ભણવા માટે વર્ગખંડ જ નથી

|

Jan 14, 2023 | 11:19 PM

Navsari: જિલ્લામાં જર્જર શિક્ષણ વ્યવસ્થાની પોલ ખૂલી છે. ચીખલી તાલુકામાં વાંઝણા ગામે શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓ તો છે પરંતુ વર્ગખંડો ન હોવાથી કડકડતી ઠંડી વચ્ચે પણ વિદ્યાર્થીઓને ચર્ચના ઓટલે બેસી અભ્યાસ કરાવવામાં આવે છે.

નવસારી જિલ્લાની શિક્ષણ વ્યવસ્થા તંત્રની પોલ ખોલી રહી છે. એક તરફ તંત્રએ શાળા છોડીને ગયેલા બાળકોને ફરી શિક્ષણ તરફ વાળવા ખાસ અભિયાન હાથ ધર્યું છે. તો બીજી તરફ નવસારીના ચીખલી તાલુકામાં વાંઝણા ગામે શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓ તો છે પરંતુ અભ્યાસ કરાવવા વર્ગખંડ જ નથી.

ભૂલકાંઓ કડકડતી ઠંડીમાં વહેલા ઉઠીને ચર્ચના ઓટલે બેસીને ભણી રહ્યા છે. તેમણે ભણવા માટે કોઈ બહાના બાજી નથી કરી. પણ શિક્ષણની મહત્તા સમજી આ ચર્ચમાં બેસીને પણ ભણવા આવી પહોંચ્યા છે. વિદ્યાર્થીઓ અપાર મુશ્કેલીઓ વેઠીને શિક્ષણ માટે સંઘર્ષ કરતા દેખાઈ રહ્યા છે. પરંતુ શિક્ષણ વિભાગ કે તંત્ર માટે આ કોઈ ગંભીર વાત હોય એમ લાગતું નથી.

કેમકે નહીં તો લાંબા સમયથી અનેકવારની રજૂઆત બાદ પણ શાળામાં ઓરડાઓનું બાંધકામ થઈ ચુક્યું હોત. એટલે જ સ્થાનિકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ પણ વાંચો: Video: નવસારીના અબ્રામા ખાતે સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવાની યોજના ખોરંભે , સિન્થેટિક ટ્રેકના બદલે ઝાડી ઝાંખરાનું ફેલાયુ સામ્રાજ્ય

તો આ તરફ સ્થાનિકોનો ઉગ્ર રોષ અને વારંવારની રજૂઆતને ધ્યાને લઇને આખરે હલબલી ઉઠેલા જિલ્લા શિક્ષણ વિભાગે વાંઝણા ગામની મુલાકાત લઇ સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો. ઓરડાની ઘટને લઇને નાયબ જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે ઓરડા બનાવવાનો જૂનો કોન્ટ્રાક્ટ સમય મર્યાદાના કારણે રદ કરવામાં આવ્યો છે

તેમજ ફરીથી 4 ઓરડા બનાવવા માટેની ટેન્ડર પ્રકિયા સપ્ટેમ્બર મહિનામાં પૂર્ણ કરી દેવાઇ હતી. પરંતુ ચૂંટણી આવતા પ્રક્રિયા અટકી પડી હતી. હાલ તો સમગ્ર મામલે સ્થાનિકોનો ઉગ્ર રોષ જોતા તંત્રએ ઓરડા બનાવવાની કામગીરી વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવાની ખાતરી આપી છે.

Next Video