Video : અમદાવાદમાં શાહીબાગ આગ દુર્ઘટના બાદ ફરી ફાયર વિભાગની તપાસ, 608 હાઇરાઇઝ બિલ્ડિંગના ગટર, પાણી અને વીજ જોડાણ કપાશે
અમદાવાદમાં શાહીબાગ આગ દુર્ઘટના બાદ ફરી NOCનું ભૂત તંત્રમાં ફરી ધુણ્યું છે અને કોર્પોરેશને શહેરની 608 હાઇરાઇઝ બિલ્ડિંગને નોટિસ ફટકારી છે.
અમદાવાદના શાહીબાગમાં ફ્લેટમાં કિશોરીના મોત બાદ કોર્પોરેશનને NOC યાદ આવી છે. અકસ્માતના પગલે ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો દાખલ થતા ફરી NOCનું ભૂત ધુણ્યું છે અને કોર્પોરેશનને શહેરની 608 હાઇરાઇઝ બિલ્ડિંગને નોટિસ ફટકારી છે. NOC વિનાની 608 હાઇરાઇઝ બિલ્ડિંગના ગટર, પાણી અને વીજ જોડાણ કપાશે. જેના માટે હાઇરાઇઝ 24 બિલ્ડિંગોની યાદી પણ તૈયાર કરી લેવામાં આવી છે. આગામી 16 જાન્યુઆરીથી આ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. એટલું જ નહીં વારંવાર નોટિસ છતાં NOC નહીં લેનારાના સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીને જેલ થશે.
ગ્રીન ઓર્કિડ બિલ્ડિંગમાં લાગી હતી આગ
મહત્વનું છે કે 7 જાન્યુઆરીના રોજ શાહીબાગ વિસ્તારના ગ્રીન ઓર્કિડ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આગમાં ફસાયેલા તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે આ ઘટનામાં સારવાર માટે મોકલવામાં આવેલી એક કિશોરીનું મોત થયું હતું. આ ઘટનામાં શરૂઆતમાં 2 ભાઈ ફસાયા હતા. જે પછી આગ ઓલવવા માટે ફાયરની કુલ 15 ગાડીઓ તેમજ ટીમ સાથે અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. બિલ્ડિંગમાંથી એક મહિલાને ફાયરની ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી અને સારવાર માટે ખસેડવામાં આવી હતી. આગની ઘટનામાં કુલ પાંચ લોકો ફસાયા હતા. તે પૈકી એક બાળકીને પણ રેસક્યૂ કરીને બહાર કાઢવામાં આવી હતી. ઉપરાંત ફસાયેલા તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.