Video: નવસારીના વિજપોરમાં વ્યાજખોર ભાજપના કોર્પોરેટર સામે મહિલાએ નોંધાવી પોલીસ ફરિયાદ
Navsari: વ્યાજખોરીના ધંધા સાથે સંકળાયેલા ભાજપના કોર્પોરેટર વિરુદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કોર્પોરેટરે સામે 2.5 ટકા વ્યાજ વસુલી 1.19 કરોડ રકમ ચુકવવાની ધમકી આપવાનો આરોપ છે. વ્યાજે લીધેલા 49 લાખ રૂપિયા માટે વ્યાજના 70 લાખ મળી કુલ 1.19 કરોડ માગવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે.
નવસારીમાં વ્યાજખોરો સામે પોલીસે લાલ આંખ કરી છે. વ્યાજખોર ભાજપ કોર્પોરેટર વિરૂદ્ધ વિજલપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે. પીડિત મહિલાએ વિજલપોર પાલિકાના બાંધકામ ચેરમેન જગદીશ મોદી અને તેના ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. ભાજપ કોર્પોરેટર સામે 2.5 ટકા વ્યાજ વસૂલવાનો ફરિયાદીનો આરોપ છે. મુદ્દલ રકમ 49 લાખ અને વ્યાજના રૂપિયા 70 લાખ મળીને કુલ એક કરોડથી વધુ રકમ કોર્પોરેટરે ફરિયાદી પાસે માગ્યાનો આક્ષેપ છે.
વ્યાજખોર કોર્પોરેટર વ્રજ જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે. સરકારના લાયસન્સ પ્રમાણે વ્યાજનો ધંધો કરતા હતા. જેથી જલાલપોરમાં રહેતી મહિલાએ 49 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા અને તેની સામે દાગીના ગીરવે મુકયા હતા. કોર્પોરેટરે વ્યાજના પૈસા લેવા દબાણ કરતા મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
49 લાખના 1.19 કરોડ કર્યા
વિજલપોરમાં વ્યાજખોર જગદીશ મોદી અને તેના ભાઈ કિરણ મોદી સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે. બંને ભાઈઓ સામે 49 લાખ તથા અઢી ટકા વ્યાજ પ્રમાણે 70 લાખ મળી કુલ 1.19 કરોડ રૂપિયા ચૂકવવાની ધમકી આપવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે વ્યાજે નાણાં લેતી વખતે એક ટકા જ વ્યાજની વાત થઈ હતી. માતા પતિના મિત્ર હોવાથી અમે વિશ્વાસ મૂક્યો હતો, પરંતુ પાછળથી 2.5 ટકા વ્યાજની માગ કરીને અમને ધમકીઓ આપે છે.
રાજકીય કિન્નાખોરી રાખીને મારી વિરુદ્ધ ફરિયાદ થઈ- જગદીશ મોદી, વ્યાજખોર
જો કે વ્યાજખોર જગદીશ મોદીએ જણાવ્યું હતું કે હું છેલ્લાં 13 વર્ષથી સરકારના કાયદા મુજબ આ ધંધો કરું છું. અત્યારસુધી આવું કંઈ જ નથી થયું. તમામ આક્ષેપો અને ફરિયાદ પાયાવિહોણી છે. મેં કોઈ વ્યવહાર કર્યો નથી છતાં રાજકીય કિન્નાખોરી રાખીને મારા પર ફરિયાદ થઈ છે તો એનો જવાબ હું વકીલ દ્વારા કોર્ટમાં આપીશ.