ગંદકી પારાવાર…પશુઓનો ત્રાસ…ટ્રાફિક જામ, વેરાવળની એકમાત્ર શાક માર્કેટ બની શોભાના ગાંઠિયા સમાન- Video

|

Jul 11, 2024 | 6:27 PM

વેરાવળમાં આવેલી એકમાત્ર શાકમાર્કેટ હાલ શોભાના ગાંઠિયા સમાન બની છે. આ શાકમાર્કેટમાં વેપારીઓને બદલે હાલ તો રખડતા ઢોરે અડીંગો જમાવ્યો છે. જ્યારે શાકભાજી વિક્રેતાઓ બહાર ગલ્લા અને લારીઓન નાખી રોડ પર દબાણ કરી રહ્યા છે અને તંત્ર આ તમાશો જોઈ રહ્યુ છે.

ગીર સોમનાથના મુખ્ય મથક વેરાવળ શહેરમાં આવેલી એકમાત્ર શાક માર્કેટ ફરી વિવાદમાં છે. ભૂતકાળમાં પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે નવી શાક માર્કેટ બનાવવામાં આવી છે. પરંતુ આજ દિન સુધી માર્કેટનું ઉદ્ઘાટન નથી થયું. જેના કારણે શાક માર્કેટ શોભાના ગાંઠિયા સમાન બની ગઇ છે. માર્કેટમાં એકલ દોકલ વેપારીઓ જ જોવા મળે છે, અને બાકી ગાય સહિતના પશુઓ રખડે છે. તો પારાવાર ગંદકી પણ છે. પરંતુ શાક માર્કેટની બહારના રસ્તાઓ પર મોટા પ્રમાણમાં શાકભાજી વિક્રેતાઓ નજરે પડી રહ્યા છે. મતલબ કે જે વેપારીઓ માટે શાક માર્કેટ બનાવવામાં આવી છે તે વેપારીઓ જ માર્કેટની અંદર બેસવા તૈયાર નથી. બીજી તરફ બહાર રોડ પર શાકભાજીની લારી અને ગલ્લા ખડકી દેવાને કારણે મોટા પાયે ટ્રાફિક અને ગંદકી સહિતની સમસ્યાઓ સર્જાય છે.

વેપારીઓ માર્કેટમાં બેસવા કેમ તૈયાર નથી તેના કારણો તમે જાણશો તો તમે પણ આશ્ચર્યમાં મુકાઇ જશે. ક્યાંક સમાજના મુદ્દાનો વિવાદ છે, તો ક્યાંક શાકના થડાનો મામલો છે. કોઇ વળી એવું માને છે કે જે આગળ બેસે તેને જ વેપાર થાય. આવા વિવિધ કારણોસર શાક માર્કેટના મોટા ભાગના વેપારીઓ અંદર ધંધો કરવા તૈયાર નથી. પાલિકા તંત્ર દ્વારા વારંવાર વેપારીઓને માર્કેટની અંદર બેસવા માટે કહેવામાં આવે છે, પરંતુ વેપારીઓ અંદર જવા તૈયાર જ નથી. જેના કારણે મામલો વધુ ગુંચવાઇ ગયો છે.

Input Credit- Yogesh Joshi- Gir Somnath 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video