Gujarati Video : વાઇસ ચાન્સેલર લાપતા થવા મુદ્દે વડોદરાની MS યુનિવર્સિટીમાં ABVP અને વિજિલન્સના સ્ટાફ વચ્ચે થયું ઘર્ષણ
Vadodara News : વાઇસ ચાન્સેલર લાપતા થવા મુદ્દે ABVP ધરણા પ્રદર્શન કરી રહ્યું હતું. આ જ સમયે વાઇસ ચાન્સેલર પસાર થતાં ABVPના કાર્યકરોએ ઘેરાવો કરીને ઓફિસમાં જતાં રોક્યા હતા.
વડોદરાની પ્રખ્યાત એમ.એસ. યુનિવર્સિટીના જે સંસ્થા શિક્ષણ માટે પ્રખ્યાત છે, તે આજકાલ રાજનીતિનો અખાડો બની છે. વાઇસ ચાન્સેલર લાપતા થવા મુદ્દે ABVP ધરણા પ્રદર્શન કરી રહ્યું હતું. આ જ સમયે વાઇસ ચાન્સેલર પસાર થતાં ABVPના કાર્યકરોએ ઘેરાવો કરીને ઓફિસમાં જતાં રોક્યા હતા. બસ પછી શું સ્થિતિ એવી તો વણસી કે વીસી ઓફિસમાં જ ABVP અને વિજિલન્સના સ્ટાફ વચ્ચે ઘર્ષણ સર્જાયું.
મામલો એટલો તો તંગ બન્યો કે વીસી ઓફિસના તોડફોડ થઇ અને કાચ પણ તૂટ્યા. વિજિલન્સની ટીમ સાથેના ઘર્ષણમાં એક વિદ્યાર્થીને ઇજા પહોંચી અને 108 મારફતે હોસ્પિટલ ભેગો કરવો પડ્યો. ABVPનો આરોપ છે કે વાઇસ ચાન્સેલર શૈક્ષણિક પ્રશ્નો પર ધ્યાન નથી આપતા.
એમ.એસ. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોએ વાઇસ ચાન્સેલરના રાજીનામાની માગ કરી છે. સિન્ડિકેટ સભ્યોનો આરોપ છે કે વાઇસ ચાન્સેલર યુનિવર્સિટીના વિકાસમાં ધ્યાન નથી આપતા. જેના પગલે યુનિવર્સિટીની શાખ સાથે શિક્ષણ પર સંકટ સર્જાયું છે. સિન્ડિકેટ સભ્ય હિમાંશુ પટેલે વિદ્યાર્થીઓના ન્યાયમાં સાથે ઉભા રહેવાની વાત કરી હતી, તો મયંક પટેલે વાઇસ ચાન્સેલરને રાજીનામું આપવાની સલાહ આપી હતી.
તો બીજી તરફ સમગ્ર મામલે વાઇસ ચાન્સેલરે પોતાના પર લાગેલા તમામ આરોપો ફગાવ્યા છે અને પોતે યુનિવર્સિટીના દરેક કાર્યક્રમોમાં હાજર હોવાનો દાવો કર્યો છે. વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે વિદ્યાર્થીઓની માગને યોગ્ય ઠેરવી, પરંતુ તેમણે અપનાવેલા રસ્તાને અયોગ્ય ઠેરવ્યો હતો.
ઘટનાની જાણ થતાં જ સયાજીગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ હેડ ઓફિસ ખાતે દોડી આવ્યો અને સ્થિતિને થાળે પાડી હતી. પોલીસ અધિકારીનું કહેવું છે કે જો સત્તાધીશો ફરિયાદ નોંધાવશે તો સમગ્ર કેસમાં કાર્યવાહી કરવામાં આવશે. આમ વિદ્યાના ધામમાં રાજનીતિનો એવો તો ખેલ ખેલાયો હતો. સંસ્કારી નગરીના સંસ્કારો અને નીતિ નિયમો જાણે ભૂલાઇ ગયા. ત્યારે અહીં સવાલ એ સર્જાય છે કે વાઇસ ચાન્સેલરના કામથી કોને વાંધો છે, શું વિરોધ વાઇસ ચાન્સેલરનો જ છે કે પછી અન્ય કોઇ કારણ છે. જોવાનુ એ રહે છે કે વિવાદની રાજનીતિ હવે ક્યાં જઇને અટકે છે.