Valsad: બુલેટ ટ્રેનનું સ્ટોપેજ અપાતા ડુંગરા વિસ્તારમાં મિલકતના ભાવ ઉચકાયા, રિયલ એસ્ટેટ માર્કેટમાં ભારે તેજી

| Edited By: | Updated on: Feb 19, 2022 | 11:16 AM

વાપીના ડુંગરા વિસ્તારમાં બુલેટ ટ્રેનનું સ્ટોપેજ બનાવવામાં આવી રહ્યું છે. અંદાજે 600 કરોડથી પણ વધારેની કિંમત ધરાવતું અતિ આધુનિક બુલેટ ટ્રેનના સ્ટેશનની કામગીરી ચાલી રહી છે. ત્યારે હવે ડુંગરા વિસ્તારમાં મિલકતના ભાવ વધ્યા છે.

અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન (Ahmedabad-Mumbai Bullet train)ની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. બુલેટ ટ્રેનના કારણે અનેક એવા વિસ્તારો છે જ્યાં નવા ઉત્સાહનો સંચાર થયો છે.. આવો જ એક વિસ્તાર એટલે ડુંગરા. વાપી (Vapi) નજીક આવેલા ડુંગરા (Dungra)માં બુલેટ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે. બુલેટ ટ્રેનનું સ્ટેશન મળતાં જ ડુંગરાની કાયાપલટ થવા લાગી છે. ડુંગરા વિસ્તારમાં મિલકતના ભાવ ઊંચકાવા લાગ્યા છે.

વાપીના ડુંગરા વિસ્તારમાં બુલેટ ટ્રેનનું સ્ટોપેજ બનાવવામાં આવી રહ્યું છે. અંદાજે 600 કરોડથી પણ વધારેની કિંમત ધરાવતું અતિ આધુનિક બુલેટ ટ્રેનના સ્ટેશનની કામગીરી એલ એન્ડ ટી કંપની દ્વારા યુદ્ધના ધોરણે ચાલી રહી છે. ત્યારે હવે ડુંગરા વિસ્તારમાં મિલકતના ભાવ વધ્યા છે. અહીં નવા-નવા પ્રોજેક્ટની વણઝાર લાગી છે. ખાસ કરીને રિયલ એસ્ટેટ માર્કેટમાં ધરખમ ઉછાળો થયો છે. ડુંગરા વિસ્તારમાં મિલકતોના ભાવમાં 50 ટકા સુધીનો વધારો થયો છે. અહીંના બિલ્ડર પણ માની રહ્યા છે કે ડુંગરામાં બુલેટ ટ્રેનનું સૌથી મોંઘુ અને સૌથી મોટું અત્યાધુનિક સ્ટેશન બની રહ્યું હોવાના કારણે જ મિલકતોના ભાવમાં ઉછાળો આવ્યો છે.

કોરોના કાળ દરમિયાન જ્યાં બિલ્ડરો સહિત અન્ય વેપારીઓ અને વ્યવસાયકારીઓ મુશ્કેલીમાં મૂકાયા હતા, ડુંગરા વિસ્તારની રોનક ઓછી થવા લાગી હતી. જો કે ડુંગરા હવે એક નવું વાપી બનવા તરફ જઈ રહ્યું છે. આ વિસ્તારમાં 17થી 18 મોટા-મોટા રેસીડેન્સીયલ પ્રોજેક્ટ શરુ થયા છે. બિલ્ડર્સ અને ડેવલપર્સને આશા છે કે હજુ પણ વધુને વધુ વિકાસ થશે. કારણ કે નવી ઈન્કવાયરી અને નવા બુકિંગ વધી ગયા છે..

બુલેટ ટ્રેનના સ્ટેશનથી ડુંગરા વિસ્તારમાં નવા પ્રાણ ફૂંકાયા છે. જે વાપીની ખૂબ નજીક આવેલું છે. ઔદ્યોગિક નગરી વાપીમાં સેંકડો ઉદ્યોગપતિઓ મુંબઈના છે. જેમાંથી ઘણા વેપારીઓ અપડાઉન પણ કરતા હતા. બુલેટ ટ્રેન આવવાથી તેમને ફાયદો થશે. જે અંતર તેઓ બેથી અઢી કલાકમાં કાપતા હતા. એ માત્ર હવે 45 મિનિટમાં કપાઈ જશે. ઘણા ઉદ્યોગપતિઓ અને વેપારીઓ વાપીમાં ચાલતો બિઝનેસ મુંબઈથી સંભાળતા હતા. તેઓ પણ હવે ડુંગરા વિસ્તારમાં રહેવા આતુર છે.

આ પણ વાંચો-

Junagadh: મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં બજેટને મંજૂરી, બજેટ જુનાગઢને પ્રવાસન શહેર તરીકે વિકસાવનારુ હોવાનો શાસક પક્ષનો દાવો

આ પણ વાંચો-

Amreli: ગુનાહિત પ્રવૃત્તિઓ છાવરવા આક્ષેપ વચ્ચે જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયે PSI પી.બી. લક્કડને સસ્પેન્ડ કર્યા