Valsad: આખરે ખૂંખાર દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ લીધો રાહતનો શ્વાસ
વન વિભાગ દીપડાના લોકેશન જાણીને વારંવાર પાંજરા ગોઠવતો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળતી હતી. જોકે આખેર આ દીપડો પાંજરે પૂરાઈ જતા હવે વન વિભાગે તેમજ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
વલસાડ જિલ્લાના ડુમલાવ ગામમાં દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. આ ખૂંખાર દીપડો ગ્રામજનો માટે ભયનું કારણ બન્યો હતો અને તેને પૂરવા પાંજરુ ગોઠવવામાં આવતું હતું, છતાં તે દીપડો છટકી જતા ગ્રામજનો ડરના માહોલમાં જીવતા હતા. વન વિભાગ દીપડાના લોકેશન જાણીને વારંવાર પાંજરા ગોઠવતો હતો, પરંતુ તેમાં નિષ્ફળતા મળતી હતી. જોકે આખેર આ દીપડો પાંજરે પૂરાઈ જતા હવે વન વિભાગે તેમજ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. આ વિસ્તારમાં દીપડાની સંખ્યા વધી હોવાની વન વિભાગ શકયતા સેવી રહ્યો છે.
થોડા દિવસ પહેલા વન વિભાગને મળી હતી નિષ્ફળતા
વલસાડના અંતરિયાળ ગામોમાં ફરીથી એક વાર દીપડાએ દેખા દીધી છે. વલસાડ જિલ્લાના ડુંમલાવ ગામમાં છેલ્લા થોડા દિવસથીદીપડો જોવા મળતો હતો. આ અંગે વન વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. આથી વન વિભાગે દીપડાને પકડી લેવા પાંજરા ગોઠવ્યા હતા. જોકે વન વિભાગે પાંજરા ગોઠવ્યા છતાં દીપડાને પકડવામાં સફળતા મળી નહોતી, ત્યારે આખરે ગત રોજ વન વિભાગને આ અંગે સફળતા મળી હતી.
દક્ષિણ ગુજરાતના અંતરિયાળ ગામોમાં દીપડાનો ત્રાસ યથાવત્
વલસાડના અંતરિયાળ વિસ્તારોમાં જોકે હજી પણ દીપડાનો ત્રાસ યથાવત છે સ્થાનિક ગ્રામિણોના જણાવ્યા પ્રમાણે અહીં દીપડાની સંખ્યામાં વધારો થયો હોય તેવી શકયતા છે કારણ કે છેલ્લા થોડા મહિનાઓમાં આ ચોથી વાર દીપડો પકડાયો છે તેથી ભવિષ્યમાં પણ દીપડો આવી જવાનો ગ્રામજનોને ડર છે. ખૂંખાર દીપડા ગામમાંથી પશુંનું મારણ કરીને કે માણસ પર જીવલેણ હુમલો કરે છે. થોડા દિવસ અગાઉ વલસાડના પારડીના ગામમાં શિકારની લાલચે પાંજરામાં આવી ગયેલો દીપડો પાંજરામાં પૂરવામાં આવ્યો હતો.