Vadodara Breaking News: હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને 6 રાઉન્ડ દોડાવ્યો! વડોદરાની રોઝરી સ્કૂલના શિક્ષક સામે વાલીની ફરિયાદ
વડોદરાની પ્રતાપગંજ સ્થિત રોઝરી સ્કૂલમાં વિદ્યાર્થીને આપવામાં આવેલી સજાનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ધોરણ 5માં અભ્યાસ કરતા હૃદયરોગથી પીડિત વિદ્યાર્થીને શિક્ષકે માથે તેલ નાંખીને શાળાએ ન આવવાના કારણસર ગ્રાઉન્ડના 6 રાઉન્ડ દોડાવ્યાનો આક્ષેપ થયો છે. આ ઘટનાને લઈને વિદ્યાર્થીના વાલીએ શિક્ષક સામે લેખિતમાં ફરિયાદ નોંધાવી છે.

શિક્ષકોના વર્તન અંગે ફરી પ્રશ્નો ઉભા થયા
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી હૃદય સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યો છે. તેમ છતાં શિક્ષકે તેની તબિયતને ધ્યાનમાં લીધા વિના તેને દોડવાની સજા આપી હોવાનું વાલીઓનું કહેવું છે. આ ઘટનાથી પરિવારજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં કિસ્સો સામે આવતા શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા અને શિક્ષકોના વર્તન અંગે ફરી પ્રશ્નો ઉભા થયા છે.
સ્કૂલના સંચાલકે કરી સ્પષ્ટતા
ઘટના અંગે રોઝરી સ્કૂલના સંચાલકે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે સંબંધિત શિક્ષક નવા હોવાથી તેમને વિદ્યાર્થીની તબિયત વિશે સંપૂર્ણ જાણકારી નહોતી. તેમના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીને સજા આપવા નહીં પરંતુ શિસ્ત જાળવવાના હેતુથી દોડાવવામાં આવ્યો હતો.
આવી ઘટના ફરી ન બને તે માટે ખાતરી આપી
શાળા સંચાલકે વધુમાં કહ્યું કે સમગ્ર ઘટનાની આંતરિક તપાસ કરવામાં આવશે અને જો કોઈ બેદરકારી સામે આવશે તો જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે પણ યોગ્ય તકેદારી રાખવામાં આવશે.
હાલ આ મામલે વાલીઓ દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાને લઈને શિક્ષણજગતમાં ચર્ચા તેજ બની છે.