Vadodara: બાળ તસ્કરીનો ભોગ બનેલ નવજાત બાળકીનું પોલીસે અસલી માતા-પિતા સાથે કરાવ્યુ મિલન

|

Oct 03, 2022 | 5:31 PM

Vadodara: શહેર પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે. બાળતસ્કરીનો ભોગ બનેલી નવજાત માસૂમ બાળકીના અસલી માતાપિતાને શોધવામાં પોલીસને સફળતા મળી છે. પોલીસે બાળકીનું તેના અસલી માતાપિતા સાથે મિલન કરાવ્યુ હતુ.

વડોદરા (Vadodara) માં બાળ તસ્કરી (Child Trafficking) મામલે પોલીસને સફળતા મળી છે. વડોદરા પોલીસે (Vadodara Police) બાળકીના અસલી માતા-પિતાને શોધી કાઢ્યા છે. ઘટનાની વાત કરીએ તો વડોદરા રેલવે સ્ટેશન પર બાળકી વેચવા આવેલી ગેંગ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ માટે વડોદરા પોલીસે SITની રચના કરી હતી. તપાસ કરતા જાણવા મળ્યું કે બાળકીનો પરિવાર પંજાબના ફિરોઝપુરનો વતની છે. પરિવારમાં 5મી દીકરીનો જન્મ થતા પરિવારે બાળકીને દત્તક આપવા પડોશીને સોંપી હતી અને પડોશીના માધ્યમથી આ બાળકી ચાઇલ્ડ ટ્રાફિકિંગ કરતી ગેંગ પાસે આવી હતી. હાલ તો વડોદરા પોલીસે બાળકીના અસલી માતા-પિતાને વડોદરા બોલાવી તેમના DNA રિપોર્ટ કરાવી તેમની ઓળખ કરી છે. બાળકીના અસલી માતા-પિતાની ઓળખ થતા વડોદરા પોલીસ કમિશનર શમશેરસિંહે બાળકીને અવન્તિકા નામ આપી તેને તેના અસલી માતા-પિતાને સોંપી છે.

સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં બાળ તસ્કરી અંગેનો ગુનો દાખલ થયો હતો. જેમા જે બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, તે બાળકીની તબિયત ગંભીર હોવાથી તેને વેન્ટીલેટર પર રખાઈ હતી. આ બાળકી ચાઈલ્ડ ટ્રાફિકિંગનો ભોગ બની હતી. ત્યારબાદ શહેર પોલીસ દ્વારા તેના અસલી માતાપિતાની શોધખોળ હાથ ધરાઈ હતી. જેમા બાળકીને માતાપિતાને શોધી લેવામાં પોલીસને સફળતા મળી હતી. બાળકી સ્વસ્થ થતા તેના માતાપિતાને સોંપવામાં આવી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં પણ ભાવુક દૃશ્યો જોવા મળ્યા હતા. ત્યારે વાતાવરણને થોડુ હળવુ કરવા ખુદ પોલીસ કમિશનર શમશેરસિંહ હળવા મૂડમાં જોવા મળ્યા હતા.

 

Published On - 11:12 pm, Sun, 2 October 22

Next Video