વડોદરામાં જે આંગણવાડીમાં નાના-નાન ભૂલકાઓ ભણવા માટે અને રમવા માટે આવે છે એ આંગણવાડીની બહાર જ ગંદકીના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં બાળ કલ્યાણના હેતુથી દરેક ગામમાં નાના બાળકો માટે આંગણવાડી બનાવવામાં આવી છે. પરંતુ વડોદરાની આ આંગણવાડીમાં જો કોઈ વાલી તેના બાળકને મોકલે તો બાળક શિક્ષણના પાઠ ભણે કે ન ભણે પરંતુ બીમાર તો ચોક્કસ પડે એ નક્કી છે. આ આંગણવાડીની બહાર જ ગંદકીના ઢેર જોવા મળી રહ્યા છે. આ ઓછુ હોય તેમ દારૂની ખાલી થેલીઓ પણ અહીં જોવા મળી રહી છે.
આંગણવાડી બહારની આ ગંદકી અંગે વારંવાર રજૂઆત કરવા છતા કોઈ નિરાકરણ ન આવતા આંગણવાડી કાર્યકરો પણ ત્રસ્ત થયા થયા છે. આસપાસના સ્થાનિકો જ અહીં કચરો નાખી જતા હોવાના આરોપ આંગણવાડી કાર્યકરો લગાવી રહ્યા છે. કોઈ જ નિરાકરણ ન આવતા ગંદકીનો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે, હાલ આ વીડિયો અંગે ICDS વિભાગના અધિકારીએ જણાવ્યુ કે ગંદકી અંગે યોગ્ય કાર્યવાહી કરાશે, જો કે ક્યારે કરાશે તેની કોઈ સમય મર્યાદા નથી.
જો કે સૌથી મોટી ચોંકાવનારી બાબત તો એ છે એકતરફ આંગણવાડીની બહારની દિવાલો પર સ્વચ્છતાનો સંદેશ અપાયો છે. ત્યાં જ કચરાના ઢગલા અને દેશી દારૂની થેલીઓ જોવા મળી રહી છે. જે આંગણવાડીમાં નાના ભૂલકાઓ અભ્યાસ માટે આવતા હોય તેની બહાર જ દેશી દારૂની થેલીઓનો ઢગલો પડેલો હોય તેનાથી બાળ માનસ પર અસર થવાની પણ ભીંતી સેવાઈ રહી છે.