સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી, 2 દિવસ બાદ વધશે ઠંડીનો ચમકારો

|

Dec 17, 2022 | 7:29 AM

રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદ (Unseasonal rain) વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે, 24 કલાક દરમિયાન સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી છે.

રાજ્યમાં ડિસેમ્બરમાં એક તરફ શિયાળાની ઠંડી જમાવટ કરી રહી છે. બીજી તરફ ભર શિયાળામાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી રહ્યા છે. છેલ્લા થોડા દિવસથી ગુજરાતમાં ઠંડીની સાથે વાદળછાયા વાતાવરણનો પણ અનુભવ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન પણ હૂંફાળું વાતાવરણ અનુભવાય છે. ત્યારે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં પણ દિવસ અને રાત્રિનું તાપમાન નીચું જઈ રહ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. જેના કારણે હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદ વરસે તેવી શક્યતા છે. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે, 24 કલાક દરમિયાન સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં માવઠું પડવાની શક્યતા છે. તો ભરૂચ, આણંદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લીધે 2 દિવસમાં ઠંડીમાં વધારો થવાની શક્યતા છે. 24 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટે શકે છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં અપાયુ એલર્ટ

ગુજરાતના વાતાવરણમાં પલટો નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સાથે ડાંગ તથા વાસંદામાં વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગે જણાવ્યું હતું કે બદલાયેલા વાતાવરણને પગલે દિવસ દરમિયાન હૂંફાળું વાતાવરણ તો રાત્રે દેવભૂમિ દ્વારકા, ડાંગ, રાજકોટ નલિયા સહિતના શહેરોમાં ઠંડીનો પારો નીચો જશે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે, વેર્સ્ટન ડિસ્ટર્બન્સની અસરથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ સાથે જ હવામાન વિભાગે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પાડવાની આગાહી કરી છે. તો ગુજરાતમાં ભારે પવન ફુંકાવાને લઇને કેટલાક દરિયાઇ વિસ્તારોમાં બંદરો પર અલગ અલગ સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યા છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા અને સુરત સહિતના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે..હવામાન વિભાગના મતે સૌરાષ્ટ્રમાં ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં વરસાદની શક્યતા છે. અમદાવાદના દક્ષિણ વિસ્તારમાં પણ હળવો વરસાદ વરસી શકે છે. અરબી સમુદ્રમાં ડિપ્રેસન ડીપ ડિપ્રેશન બનતા માછીમારોને દરિયો ખેડવામાં સાવધાની રાખવા જણાવાયું છે. રાજ્યમાં બે દિવસ બાદ 4 ડિગ્રી જેટલું તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો વધશે.રાજ્યમાં હાલમાં નલિયામાં સૌથી ઓછું 14 ડિગ્રી અને અમદાવાદમાં 21 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

Published On - 7:29 am, Sat, 17 December 22

Next Video