Mehsana : ગુજરાતને આજે વધુ એક સૈનિક સ્કૂલની (Sainik School) ભેટ મળી છે. મહેસાણાના બોરીયાવી ગામે ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે સૈનિક સ્કૂલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. અમિત શાહની (Amit Shah) વર્ચ્યુઅલ ઉપસ્થિતિ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel) હાજરીમાં મોતીભાઈ ચૌધરી સાગર સૈનિક સ્કૂલનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યુ છે. સહકારી સંસ્થા દ્વારા સંચાલિત ભારતની આ પહેલી સૈનિક સ્કૂલ હશે, જે મહેસાણાથી 11 કિલોમીટર દૂર બોરિયાવી ગામે 11 એકર જમીનમાં રૂપિયા 75 કરોડના ખર્ચે તૈયાર થશે.
આ પ્રસંગે ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે- ફક્ત ઉત્તર ગુજરાત જ નહીં સમગ્ર દેશના યુવાધનને સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરવાનો લાભ મળશે અને સેનામાં જોડાવાનો તેમનો માર્ગ ખૂબ સરળ થઈ જશે. જો કોઈ સેનામાં ન જોડાય અને નાગરિક તરીકે જીવન જીવશે તો તેવા યુવાનોમાં પણ દેશભક્તિ અને શિસ્તના સંસ્કારોનું સિંચન કરવાનું કામ સૈનિક સ્કૂલ કરશે.