Ahmedabad: ગૃહપ્રધાન અમિત શાહ ધારાસભ્યો સાથે કરશે મહત્વની બેઠક, વિકાસકાર્યો અને નવા આયોજનો અંગે કરાશે ચર્ચા

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Elections) બાદ અમિત શાહ પોતાના મતવિસ્તારના ધારાસભ્યો સાથે પ્રથમ બેઠક કરવાના છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવેલી સાતે સાત વિધાનસભા બેઠક પર ભાજપની જીત થઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2022 | 10:31 AM

ગાંધીનગર લોકસભા મત વિસ્તારના ધારાસભ્યો સાથે આજે ગૃહપ્રધાન અમિત શાહ મહત્વની બેઠક યોજશે. અમદાવાદના શાહીબાગ સ્થિત સર્કિટ હાઉસમાં આ બેઠક મળશે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. ગાંધીનગર લોકસભા મત વિસ્તારના સાંસદ અને ગૃહપ્રધાન હાલમાં અમદાવાદની ટૂંકી મુલાકાતે છે. આજે બપોરે તેઓ પોતાના મતવિસ્તારમાં આવતી 7 વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યો સાથે બેઠક યોજશે. ચૂંટણી બાદ પ્રથમ વખત યોજાનારી આ સૌજન્ય બેઠકમાં સાતેય વિધાનસભામાં ચાલી રહેલા વિકાસકાર્યો, નવા આયોજનો અને સ્થાનિક પ્રશ્નો ઉકેલવા રોડમેપ તૈયાર કરાશે.

શાહીબાગ સ્થિત સર્કિટ હાઉસમાં મળશે બેઠક

ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ અમિત શાહ પોતાના મતવિસ્તારના ધારાસભ્યો સાથે પ્રથમ બેઠક કરવાના છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આવેલી સાતે સાત વિધાનસભા બેઠક પર ભાજપની જીત થઇ છે. ત્યારે આ સાતેય ધારાસભ્યો સાથે અમિત શાહ બેઠક કરશે. અમિત શાહ દ્વારા તેમના લોકસભા મત વિસ્તારમાં વિકાસકામો પર ખાસ ભાર મુકવામાં આવતો હોય છે. તેમના ગ્રામ્ય વિસ્તારો સહિતના મતવિસ્તારોમાં તે સતત વિકાસ કામો માટે ભાર મુકે છે. જ્યારે પણ અમિત શાહ ગુજરાત આવતા હોય છે ત્યારે વહીવટી અધિકારીઓ જેવા કે જિલ્લા તંત્ર અને ધારાસભ્યો સાથે રિવ્યુ બેઠક કરતા હોય છે.

મતવિસ્તારના 7 ધારાસભ્યો સાથે કરશે બેઠક

મતવિસ્તારમાં હવે ધારાસભ્યોના નવા ચહેરાઓ આવ્યા છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં આ વિસ્તારોમાં કેટલુ કામ થયેલુ છે અથવા તો કેટલુ કામ બાકી છે.તેને લઇને એક રિવ્યુ બેઠક થવાની છે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. મહત્વનું છે કે અમિત શાહના મતવિસ્તારમાં ઘાટલોડિયા, કલોલ, ગાંધીનગર ઉત્તર, સાબરમતી, નારણપુરા, વેજલપુર અને સાણંદ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ સાતેય વિધાનસભા વિસ્તારમાં ભાજપની જીત થઈ છે. તેમના વિસ્તારોમાં મેટ્રો રેલ, નારણપુરા અને સાબરમતીમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સ, નવું રેલવે સ્ટેશન સહિત અનેક વિકાસકાર્યો ચાલી રહ્યા છે.

(વિથ ઇનપુટ-કિંજલ મિશ્રા,અમદાવાદ)

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">