ભૂગર્ભમાં ઉતરેલા લોકગાયક દેવાયત ખવડ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં થયો હાજર, મયુરસિંહ રાણા પર કર્યો હતો હુમલો, ખવડના 2 સાગરીતો હજુ ફરાર
મારામારીના કેસમાં નાસતો ફરતો દેવાયત ખવડ આખરે ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થયો છે. 7 ડિસેમ્બરે દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર હુમલો કર્યો હતો.
રાજકોટના હાઇપ્રોફાઇલ કેસમાં આખરે “રાણો રાણાની રીતે” ફેમ લોકકલાકાર દેવાયત ખવડ પોલીસ સમક્ષ હાજર થઈ ગયા છે. ફરિયાદીએ ન્યાય માટે PMOમાં ફરિયાદ કરતા દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયા છે. દેવાયત ખવડ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થતા A ડિવિઝન પોલીસે તેનો કબ્જો લઇ સત્તાવાર ધરપકડ કરી લીધી છે. ફરિયાદી મયુરસિંહે PMOમાં કરેલી ફરિયાદમાં 2021માં થયેલી ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. તથા આ મામલે તટસ્થ તપાસની માગ કરી છે. મહત્વપૂર્ણ છે કે પોલીસની ધરપકડથી બચવા દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ આ જામીન ન આપવા પોલીસે સોગંદનામું કર્યું છે. પોલીસના સોગંદનામામાં દેવાયતના ગુનાહિત ભૂતકાળનો ઉલ્લેખ છે.
ગત 7 તારીખના રોજ દેવાયત ખવડે મયુરસિંહ રાણા પર અગાઉની બોલાચાલીની અદાવત રાખી જીવલેણ હુમલો કર્યો હતો જેમા મયુરસિંહને ગંભીર ઈજા પહોંચી હતો. પાર્કિંગ જેવી સામાન્ય બાબતને લઈને મયુરસિંહ રાણા પર દેવાયત ખવડ અને તેમના સાગરિતોએ હુમલો કર્યો હતો. આ હુમલો કર્યા બાદ તે ફરાર થઈ ગયો હતો. ભોગ બનનાર યુવકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે દેવાયત ખવડની પોલીસ સાથે સાંઠગાંઠને કારણે જ તેની ધરપકડ કરવામાં આવતી નથી. હુમલા બાદ 9 દિવસથી દેવાયત ખવડ પોલીસ પકડથી દૂર હતા.
હુમલા બાદ દેવાયત ખવડ ભૂગર્ભમાં
ગુનો દાખલ થતા જ દેવાયત ખવડ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. યુનિવર્સિટી રોડ પર આવેલો તેના બંગલામાં તાળું લગાવેલું હતુ. તો તેના બંને મોબાઈલ નંબર સ્વીચ ઓફ આવી હતા. પોલીસે તેના વતન મુળી ખાતે પણ તપાસ હાથ ધરી પરંતુ કોઈ સફળતા મળી નથી.જો કે દેવાયત ખવડનો આ પ્રથમ વિવાદ નથી, અગાઉ પણ તેઓ અનેક વખત વિવાદમાં આવી ચૂક્યા છે.
ઈનપુટ ક્રેડિટ- મોહિત ભટ્ટ- રાજકોટ