અપક્ષમાંથી ચૂંટાયેલા 3 ધારાસભ્યો ભાજપમાં જોડાશે, ત્રણ પૈકી બે ધારાસભ્ય કરશે ઘર વાપસી

|

Dec 11, 2022 | 5:19 PM

વડોદરાની (Vadodara) વાઘોડિયા બેઠકથી જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપના સિનિયર નેતાઓના સંપર્કમાં છે. તો અન્ય બે અપક્ષોએ અમદાવાદમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે મુલાકાત કરતા તેમની પણ ભાજપમાં જોડાવવાની અટકળો તેજ બની છે.

ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ જીતેલા ત્રણ ધારાસભ્યો ભાજપમાં જોડાશે. બનાસકાંઠાની ધાનેરા બેઠકથી અપક્ષ જીતેલા માવજી દેસાઈ અને બાયડથી અપક્ષ જીતેલા ધવલસિંહ ઝાલા ફરી એકવાર કેસરિયા કરશે. તો વાઘોડિયાના અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા પણ ભાજપમાં જોડાશે. આ તમામ ધારાસભ્યો આવતીકાલ સુધીમાં વિધિવત રીતે ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. વાઘોડિયાથી જીતેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ભાજપના સિનિયર નેતાઓના સંપર્કમાં છે. તો અન્ય બે અપક્ષોએ અમદાવાદમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાથે મુલાકાત કરતા તેમની પણ ભાજપમાં જોડાવવાની અટકળો તેજ બની છે. માવજી દેસાઈ અને ધવલસિંહ ઝાલા અગાઉ પણ ભાજપમાં રહી ચુક્યા છે. ત્યારે હવે તેઓ ઘર વાપસી કરી શકે છે.

તો આ પહેલા વિસાવદરમાંથી આપના વિજેતા બનેલા ઉમેદવાર ભૂપત ભાયાણીએ ભાજપમાં જોડાવાની વાતને રદિયો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભાજપમાં જોડાવા અંગેની વાત અફવા છે અને તેમણે ભાજપમાં જોડાવા અંગે કોઈ નિર્ણય કર્યો નથી. નોંધનીય છે કે થોડા સમય પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે વિસાવદરના આપના ઉમેદવાર તરીકે વિજેતા બનેલા ભૂપત ભાયાણી આપમાંથી ભાજપમાં જોડાશે અને તેઓ બપોરે 2 વાગ્યે ભાજપનો કેસરિયો ધારણ કરશે.

જોકે બાદમાં ભૂપત ભાયાણીએ TV9 સાથેની વાતચીતમાં આ બાબતને અફવા ગણાવી છે. તેમજ તેમણે જણાવ્યું હતું કે મારા સમર્થકો તેમજ કાર્યકરો મને જે કહેશે તે પ્રમાણે હું કરીશ. તેમણે એમ પણ કહ્યું હતું કે હાલમાં ભાજપને કોઈ ધારાસભ્યો ઘટના નથી. મને પૈસા આપ્યા હોવાની ચર્ચાઓ તથ્ય વિનાની છે. સાથે જ તેમણે કહ્યું હતું કે હું આપથી નારાજ પણ નથી.

Next Video