Video : નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂનમની અનોખી રીતે ઉજવણી, હજારો કિલો બોર ઉછાળાયા
Kheda News: આજે નડિયાદ અને તેની આસપાસના સ્થળો ઉપરાંત ચરોતરના અન્ય સ્થળો સહિત અમદાવાદ, વડોદરા ઉપરાંત રાજ્યભરમાંથી માનવ મેદની સંતરામ મંદિરમાં દર્શનાર્થે ઉમટી હતી. સવારે મંદિર ખુલ્યા બાદ શ્રધ્ધાળુઓએ દર્શન કરી લીધા બાદ બોરની ઉછામણી શરૂ કરી હતી.
નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરમાં પોષી પૂનમની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સેવાતીર્થ સ્થાન તરીકે જાણીતા સંતરામ મંદિરમાં આજના દિવસનું વિશેષ મહત્વ છે. આ દિવસે પ્રસાદીરૂપે બોરની બોલબાલા રહે છે. રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો બાધા પૂર્ણ કરવા સંતરામ મંદિર પહોંચ્યા હતા. બાળક બોલતુ ન હોય કે તોતડુ બોલતુ હોય તો તેના માતા-પિતા કે સ્વજન સંતરામ જ્યોતની બાધા રાખે છે. સંતરામ મંદીરમાં બોર ઉછાળવામાં આવે તો તે બોલતું થઇ જાય છે. જેને કારણે મંદિરમાં હજારો કીલો બોર ઉછાળવામાં આવ્યા હતા.
આજે નડિયાદ અને તેની આસપાસના સ્થળો ઉપરાંત ચરોતરના અન્ય સ્થળો સહિત અમદાવાદ, વડોદરા ઉપરાંત રાજ્યભરમાંથી માનવ મેદની સંતરામ મંદિરમાં દર્શનાર્થે ઉમટી હતી. સવારે મંદિર ખુલ્યા બાદ શ્રધ્ધાળુઓએ દર્શન કરી લીધા બાદ બોરની ઉછામણી શરૂ કરી હતી. જે રાત્રે મંદિરના દ્વારા બંધ થયા ત્યા સુધી અવિરત રહી હતી. મંદિરની આસપાસ તથા સ્ટેશન વિસ્તાર સહિત અન્ય જગ્યાઓએથી શ્રધ્ધાળુઓ થેલીઓ અને કોથળા ભરીને બોર લઈ મંદિરમાં આવ્યા હતા અને બોર ઉછાળ્યા હતા. ખેડા પોલીસ દ્વારા સમગ્ર મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
મંદિરની ઉપર ધાબુ છે ત્યાંથી બોર ઉછાળતા હોય છે અને લોકો નીચે ઝીલતા હોય છે. માન્યતા પ્રમાણે વર્ષો પહેલા એક મહિલા સંતરામ મહારાજ પાસે આવ્યા હતા અને તેમનું બાળક ન બોલતું હોવાનું સમસ્યા જણાવી હતી. આ સમયે સંતરામ મહારાજે બાળક બોલતું થઈ જાય એટલે યથાશક્તી પ્રમાણેની વસ્તુ ધરવા જણાવાયું હતું. માનતા પૂર્ણ થતા મહિલાએ બોર ધરાવ્યા હતા ત્યારથી આ પરંપરા ચાલતી આવે છે.