હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના પગલે નદી-નાળાઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યુ છે. આ પરિસ્થિતિ વચ્ચે ભાવનગરમાં તમિલાનાડુના પ્રવાસીઓની એક બસ ફસાઇ હતી. જો કે આ બસનું રેસ્ક્યૂ કરવા ગયેલી ટ્રક પણ પાણીના પ્રવાહમાં ફસાઇ ગઇ હતી. જે પછી પ્રવાસીઓને બચાવવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
ભાવનગરના કોળિયાક નજીક માલેશ્રી નદીના પાણીના પ્રવાહમાં તમિલનાડુથી આવેલા 29 મુસાફરોથી ભરેલી બસ ફસાઇ ગઇ હતી. આ ઘટના ગઇકાલે રાત્રે બની હતી. આ ઘટનાની જાણ થતા જ તંત્ર દ્વારા આ મુસાફરોના રેસ્ક્યૂની કામગીરી શરુ કરવામાં આવી હતી. જે પછી ટ્રકને આ મુસાફરોના બચાવ માટે મોકલવામાં આવી હતી. જો કે પાણીના ભારે પ્રવાહ વચ્ચે આ ટ્રક પણ ફસાઇ ગઇ હતી.
મુસાફરોને બચાવવા માટે આખી રાત રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યુ હતુ. પ્રવાસીઓને બચાવવા તંત્ર પણ ખડે પગે હતું, ભાવનગર એસપી અને ક્લકેટર સમગ્ર ઓપરેશન દરમિયાન વોચ રાખી રહ્યાં હતા. ભારે જહેમત અને અથાગ પ્રયત્ન બાદ અંતે સ્થાનિક તંત્ર, પોલીસ વિભાગ અને ફાયર વિભાગે સાથે મળીને આ તમામ મુસાફરોને બચાવી લીધા હતા. રેસ્ક્યૂ બાદ તમામ લોકોને ભાવનગર લઈ જવાયા હતા.
ભાવનગર વહિવટી તંત્રની મહેનતને કારણે તામિલનાડુના આ પ્રવાસીઓને નવી જિંદગી મળી છે. આ બચાવ કાર્ય સાથે સંકળાયેલા તમામ લોકો અભિનંદનને પાત્ર છે.