Gujarati Video : જામનગરમાં અંધાશ્રમ ફાટક નજીક આવેલા આવાસો જર્જરિત, મકાન પડવાના ડરને કારણે અનેક લોકોએ કર્યું સ્થળાંતર

|

May 24, 2023 | 7:37 AM

જામનગર અંધાશ્રમ ફાટક નજીક આવેલા આવાસો અત્યંત જર્જરિત હાલતમાં છે. જેના કારણે તેમાં રહેતા લોકો પર સતત ભય તોળાઇ રહ્યો છે. છતની દિવાલ હોય કે સીડી, કે પછી ગેલેરી જ્યાં જુઓ ત્યાં તમામ જગ્યાએ સતત મોટા પોપડાં પડી રહ્યા છે.

જામનગરમાં ( Jamnagar ) 4 દાયકા પહેલા ફાળવવામાં આવેલા આવાસો હવે લાભાર્થી માટે જોખમી સાબિત થઇ રહ્યા છે. શહેરના અંધાશ્રમ ફાટક નજીક આવેલા આવાસો અત્યંત જર્જરિત હાલતમાં છે. જેના કારણે તેમાં રહેતા લોકો પર સતત ભય તોળાઇ રહ્યો છે. છતની દિવાલ હોય કે સીડી, કે પછી ગેલેરી જ્યાં જુઓ ત્યાં તમામ જગ્યાએ સતત મોટા પોપડાં પડી રહ્યા છે.

તો અનેક ઘરમાંથી સળિયા પણ બહાર ડોકાઇ રહ્યા છે. કેટલાક આવાસોની હાલત એવી છે કે તે માત્ર પડવાના વાંકે ઉભા છે. પરંતુ ગરીબ લાભાર્થીઓ આવાસોને રિપેર કરાવી શકે તેમ પણ નથી. કે અન્ય જગ્યાએ ભાડે રહેવા જવું પણ તેમના માટે શકય નથી. કુલ 1404 આવાસોમાં આશરે 4 હજારથી વધુ લોકો વસવાટ કરે છે. જેના પર સતત જોખમ ઝળુંબી રહ્યું છે.

આ પણ વાંચો : Jamnagar: ઐતિહાસિક ભુજીયા કોઠાના મુળ સ્વરૂપનું રીનોવેશન કરી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની પહેલ

આવાસ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી અનેક લોકો ડરના માર્યા સ્થળાંતર કરી ગયા છે. પોતાની માલિકીનું મકાન હોવા છતાં તેઓ અન્ય જગ્યાએ રહેવા મજબૂર બન્યા છે. મનપામાં વિપક્ષના નેતાઓએ આવાસની મુલાકાત લઇ કોઇ મોટી દુર્ઘટના બને તે પહેલા આવાસનું સમારકામ કરવાની માગ કરી છે.

આવાસની હાલત વિશે તંત્ર પણ અજાણ નથી. મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 4 વર્ષથી આવાસમાં રહેતા લોકોને નોટિસ આપવામાં આવે છે. પરંતુ તંત્ર માત્ર નોટિસ આપી જવાબદારીમાંથી છટકી જતું હોવાનો લોકોનો આક્ષેપ છે. બીજી તરફ મનપાનું કહેવું છે કે નિયમ મુજબ આવાસોનું સમારકામ કરાવવાની જવાબદારી તેમાં રહેતા લોકોની છે.

વિપક્ષના સભ્યોએ કરી આવાસની મુલાકાત

વિપક્ષના નેતા દ્રારા માંગ કરવામાં આવી છે કે કોઈ દુર્ધટના બને તે પહેલા મહાનગર પાલિકા દ્રારા યોગ્ય કામગીરી કરવામાં આવે.સ્થાનિકોએ ફરીયાદ કરી છે કે આવાસના પડયા બાદ કોઈનો મોત થયા પછી સરકાર સહાય આપે તે કરતા અકસ્માત ના બને તે માટે અગાઉથી કામગીરી કરવામાં આવે. વિપક્ષના નેતા ધવલ નંદા, કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, શહેર કોંગ્રેસના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ આવાસની મુલાકાત લીધી. લોકોની મુુશ્કેલી જાણી તેના કાયમી ઉકેલ માટેની અધિકારીઓ પાસે વિપક્ષના સભ્યોએ માગ કરી છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Next Video