બોર્ડના વિદ્યાર્થીઓનું ભાવિ અદ્ધરતાલ! રાજપરા ગામને એક વર્ષથી ધોરણ 10ની મંજૂરી મળી ગઈ પરંતુ બિલ્ડીંગ હજુ નથી બન્યુ- Video

|

Jul 11, 2024 | 6:00 PM

એકતરફ સરકાર સ્માર્ટ સ્કૂલો બનાવવાના દાવા કરી રહી છે. પરંતુ ગીરસોમનાથ જિલ્લાના રાજપરા ગામે ધોરણ 9 થી 10ની શાળાની એક વર્ષથી મંજૂરી મળી ગઈ પરંતુ હજુ સુધી શાળાનું બિલ્ડીંગ બન્યુ નથી અને વિદ્યાર્થીઓ સાયક્લોન સેન્ટરમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે.

સૌ ભણે સૌ આગળ વધે, સ્કૂલ ચલે હમ આવા સ્લોગનો તો બહુ થયા, પરંતુ સવાલ છે કે ધરાતલ પર શાળાઓની સ્થિતિ કેવી છે? ગીર સોમનાથના સૈયદ રાજપરા ગામે હજુ શાળાનું બિલ્ડીંગ બન્યું નથી. સરકારે ધોરણ 9 અને 10ની મંજૂરી તો આપી પરંતુ બિલ્ડીંગ ન હોવાના કારણે વિદ્યાર્થીઓ સાયકલોન સેન્ટરમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે.

છેલ્લા 10 વર્ષીથી સૈયદ રાજપરા ગામમાં ધોરણ-9 અને 10ની મંજૂરી મળી છે. પરંતુ શાળાનું બિલ્ડીંગ હજુ મળ્યું નથી. ગ્રામ પંચાયતે શાળા માટે જમીન પણ ફાળવી દીધી છે. પરંતુ ખાટલે મઢી ખોટ એ છે કે હજુ ઈમારતના બાંધકામ માટે કોઈ કાર્યવાહી નથી થઈ તો બીજી તરફ શાળાના આચાર્યે પણ આ મુદ્દે અનેકવાર રજૂઆત કરી છે.

ધોરણ 9 થી 10ની શાળાની મંજૂરી આપી છે તો અહીં બોર્ડનું કેન્દ્ર પણ ફાળવવામાં આવશે. હવે બિલ્ડીંગ જ નથી તો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા ક્યાં જશે? બીજી તરફ બોર્ડના વિદ્યાર્થીઓનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. કુદરતી આપત્તિ સમયે લોકોને સ્થળાંતરિત કરી શકાય એ માટે સાયક્લોન સેન્ટર બનાવવામાં આવે છે પરંતુ રાજપરા ગામે સ્કૂલ માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કારણ કે એક વર્ષથી 35 જેટલા વિદ્યાર્થીઓને ભણવા માટેનું શાળાનું મકાન જ નથી. 10 હજાર મીટરની પંચાયત તરફથી જગ્યા પણ ફાળવી દેવાઈ હોવા છતા અધિકારીઓની મંથર ગતિની કામગીરીને કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો છે.

Input Credit- Yogesh Joshi- Gir Somnath

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:54 pm, Thu, 11 July 24

Next Video