Tapi: જિલ્લા ભાજપમાં જૂથવાદ, ભાજપના જ બે જૂથોએ સામસામે નોંધાવી એટ્રોસિટીની ફરિયાદ
Tapi: જિલ્લા ભાજપનો જૂથવાદ હવે સપાટી પર આવ્યો છે. જન્માષ્ટમીના મટકીફોડના કાર્યક્રમમાં ભાજપના જ બે યુવા જૂથ વચ્ચે બેનર બાંધવા બાબતે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ જિલ્લા ભાજપ યુવા પ્રમુખે એટ્રોસિટીની ફરિયાદ નોધાવી હતી. જેની સામે સામા પક્ષે પણ ફરિયાદ નોંધાવી છે.
તાપી (Tapi)માં ભાજપનો જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપના જ કાર્યકરોએ એકબીજા સાથે એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે. શુક્રવારે તાપી જિલ્લાના ભાજપ(BJP) યુવા પ્રમુખની એટ્રોસિટી (Atrocity)ની ફરિયાદ બાદ સામા પક્ષના ભાજપના કાર્યકર્તાઓએ પણ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ આપી હતી. જૂદા જૂદા મુદ્દે ભાજપના યુવા મોરચાના પ્રમુખ સહિત પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર વિવાદ જન્માષ્ટમીએ આયોજિત કરાયેલા દહીંહાંડીના કાર્યક્રમ દરમિયાન થયો હતો. દહીંહાંડીના કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મટકીફોડના કાર્યક્રમ દરમિયાન બેનર બાંધવા મુદ્દે થઈ હતી બબાલ
જન્માષ્ટમી નિમિત્તે વ્યારામાં મટકી ફોડનો કાર્યક્રમ સી.આર.પાટિલની ઉપસ્થિતિમાં થવાનો હતો. આ કાર્યક્રમને લઈને યુવા ભાજપ પ્રમુખ અને લાયન્સ કાર્ડ ગૃપના સદસ્ય જેમણે કાર્યક્રમનું આયોજન કર્યુ હતુ એ બંને વચ્ચે બેનર બાંધવા મુદ્દે બોલાચાલી થઈ હતી. ભાજપના યુવા પ્રમુખે જે ફરિયાદ ગઈકાલે વ્યારા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી તેની સામે મોડી રાત્રે લાયન્સ કાર્ડ ગૃપના સદસ્ય નિમેશ સરભોણિયાએ પણ સામી એટ્રોસિટીની ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદને પગલે તાપી જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયુ છે. જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ વિરલ કોકાણીએ ભાજપના કાર્યકર રાજુ જાધવ અને અન્ય કોર્પોરેટર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. રાજુ જાધવ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયો છે, ત્યારે રાજુ જાધવે જાતિ વિષયક ટિપ્પણી કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
ઈનપુટ ક્રેડિટ- નિરવ કંસારા- તાપી