કુમકુમ મંદિર દ્વારા ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી. ગુલાલ અને કેસૂડાંના જળથી સ્વામિનારાયણ ભગવાનને રંગવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં છેલ્લા ૨૦૦ વર્ષથી આ પવિત્ર ફૂલદોલોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.
શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર – મણિનગર દ્વારા ધૂળેટી – ફૂલદોલોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. સ્વામિનારાયણ ભગવાનને વિશિષ્ટ શ્વેત વસ્ત્રો ધારણ કરાવવામાં આવ્યા હતા અને ગુલાલ તથા કેસૂડાંના જળથી રંગવામાં આવ્યા હતા.
નંદપદવીના સંતો દ્વારા રચિત કીર્તનોનું ગાન કરવામાં આવ્યું હતું. બાદમાં સર્વે ભક્તોને ધાણી, ખજૂર અને ચણાનો પ્રસાદ વહેંચવામાં આવ્યો.
કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયમાં ફૂલદોલોત્સવ એક શિરમોર ઉત્સવ છે. સ્વામિનારાયણ ભગવાન દ્વારા વિવિધ સ્થળોએ ધામધૂમથી આ ઉત્સવ ઉજવવામાં આવ્યો છે.
ગઢડા, લોયા, બોટાદ, સરંગપુર અને વડતાલ જેવા સ્થળોએ ફૂલદોલોત્સવની ભવ્ય ઉજવણીની પરંપરા રહી છે. વડતાલમાં ભગવાનને બાર – બાર બારણાંના હિંડોળામાં ઝુલાવામાં આવ્યા હતા અને તેમના બાર – બાર સ્વરૂપે ભક્તોને દર્શન કરાવ્યા હતા.
Published On - 6:46 pm, Fri, 14 March 25