સ્વામિનારાયણ મંદિર, ધરમપુરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજની ષોડશોપચારથી પૂજાવિધિ, અન્નકૂટોત્સવ તથા સર્વજીવહિતાવહ શિક્ષાપત્રી 198 મી પ્રાગટય જયંતીએ શિક્ષાપત્રીનું પૂજન, અર્ચન, આરતી, આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજના આશીર્વાદ વગરે અનેકાનેક આધ્યાત્મિક કાર્યક્રમો યોજાયા હતા.
આ દિવ્ય અવસરે સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, શિક્ષાપત્રી સર્વોપરી, સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે. શિક્ષાપત્રી 350 શાસ્ત્રોનો સાર છે. માનવીનું ઘડતર કરતો અણમોલ ગ્રંથ છે. શિક્ષાપત્રી અમૃત મનુષ્યોના મોક્ષ માટે ખરા અર્થમાં જીવન માર્ગદર્શિકા છે. જે મુમુક્ષુ આ શિક્ષાપત્રી પ્રમાણે જીવન જીવશે તેના જીવનમાં ભગવાનનો અખંડ રાજીપો રહેશે, જીવનમાં બેઠો આનંદ પ્રાપ્ત થશે અને કાયમી સુખ પ્રાપ્ત થશે.
મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત સ્વામિનારાયણ મંદિર, ધરમપુર શ્રી ઘનશ્યામ મહારાજ સુવર્ણ પ્રતિષ્ઠા મહોત્સવના સમાપન દિને – શિક્ષાપત્રી 198 મી જયંતીએ 10,000 સામૂહિક શિક્ષાપત્રીના પાઠ કરવામાં આવ્યા હતા. સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે હરિકૃષ્ણ મહારાજ સહ સર્વજીવહિતાવહ શિક્ષાપત્રી ગ્રંથનું પૂજન અર્ચન કરીને આરતી ઉતારી હતી. જેનો અવિસ્મરણીય લ્હોવો દેશવિદેશના અસંખ્ય હરિભક્તોએ લીધો હતો.
Published On - 12:04 am, Thu, 15 February 24