ગુજરાતના બનાસકાંઠામાં કોંગો ફીવરના શંકાસ્પદ કેસથી તંત્ર દોડતું થયું
મળતી માહિતી મુજબ, દર્દીએ શરૂઆતમાં ડીસામાં સારવાર લીધી હતી. ત્યારબાદ પરિવારજનો તેને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
બનાસકાંઠા: ડીસાના આખોલ ગામના એક વ્યક્તિમાં કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. શંકાસ્પદ દર્દી હાલ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીના સેમ્પલ વધુ તપાસ માટે પુણેની વાયરોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, દર્દીએ શરૂઆતમાં ડીસામાં સારવાર લીધી હતી. ત્યારબાદ પરિવારજનો તેને વધુ સારવાર માટે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. દરમિયાન કોંગો ફીવરની આશંકાને પગલે દર્દીના સેમ્પલ પુણેની વાયરોલોજી લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હાલ આ રિપોર્ટની તપાસ ચાલી રહી છે.
બીજી તરફ, નાની આખોલ ગામમાં શંકાસ્પદ કેસની જાણ થતાં આરોગ્ય વિભાગ અને વેટરનરી વિભાગની ટીમો પહોંચી હતી. બંને વિભાગ દ્વારા ગામમાં દવા છંટકાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઘર-ઘર દવા છંટકાવ ઉપરાંત આરોગ્ય વિભાગે સર્વેલન્સની કામગીરી પણ હાથ ધરી છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, દર્દીના હાલના રિપોર્ટ સારા આવ્યા છે. જોકે, કોંગો ફીવર અંગેનો અંતિમ રિપોર્ટ પુણેની વાયરોલોજી લેબોરેટરીમાંથી આવવાનો બાકી છે. રિપોર્ટ આવ્યા બાદ જ દર્દીને કોંગો ફીવર છે કે નહીં તે અંગે સ્પષ્ટતા થઈ શકશે.

