સુરત: ઘોડા પર સવાર થઈ ફોર્મ ભરવા પહોંચ્યા ભાજપના આ નેતા, જુઓ વીડિયો

|

Nov 14, 2022 | 11:49 PM

Gujarat Election 2022: ગુજરાત ચૂંટણીમાં તમામ પક્ષો જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, જેમાં આ વખતે કેટલીક બેઠકો એવી જ્યાં ખરાખરીનો ખેલ જામશે. આવી જ બેઠક છે સુરતની વરાછા બેઠક. જ્યા સતત બે ટર્મથી કિશોર કુમાર કાનાણી વિજેતા રહ્યા છે. ત્યારે આ ચૂંટણીમાં પણ તેઓ જીતની હેટ્રિક લગાવશે તેવો આત્મવિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો છે.

સુરતની વરાછા બેઠક પર ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો છે. આ બેઠક પરથી ભાજપના કિશોર કુમાર કાનાણીએ આજે તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. કુમાર કાનાણીથી વધુ જાણીતા કિશોર કુમાર કાનાણી ઘોડા પર સવાર થઈને ફોર્મ ભરવા પહોંચ્યા હતા. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિકો હાજર રહ્યા હતા. કુમાર કાનાણીએ હાજર રહેલા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હોત અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સુરતની વરાછા બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ રહ્યુ છે. પાટીદાર અનામત આંદોલનનું એપી સેન્ટર રહેલી વરાછા બેઠક પર ભાજપે સતત ત્રીજીવાર કુમાર કાનાણીને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. કુમાર કાનાણી વરાછા બેઠક પરથી 2012થી સતત જીતતા આવ્યા છે. આ વખતે જોવુ રહેશે કે કુમાર કાનાણી જીતના હેટ્રિક લગાવી શકશે કે કેમ.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: વરાછા બેઠકની ખાસિયત

વરાછા બેઠક પર પાટીદાર ફેક્ટર ચાલે છે. આથી જ આ બેઠક પર પાટીદાર આંદોલનની સૌથી વધુ અસર જોવા મળી હતી. 2017 વિધાનસભાની ચૂંટણીમાં સુરતના વરાછા બેઠક પર ભાજપના કાર્યકર્તાઓને પ્રચાર કરવામાં પણ ભારે મુશ્કેલી થઈ હતી. આ બેઠક પર જીત મેળવવા માટે ભાજપને એડીચોટીનું જોર લગાવ્યું પડ્યું હતું. કારણ કે આ બેઠક પર પાટીદાર ફેક્ટર વિજય માટે નિર્ણાયક હોય છે અને વર્ષ 2017માં પાટીદાર આંદોલન તાજો મુદ્દો હતો. વરાછા વિધાનસભા ક્ષેત્રને વર્ષ 2007માં સુરત ઉત્તર અને સુરત પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાંથી અલગથી પાડી અલગ વિધાનસભા બેઠક ઘોષિત કરવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી આ બેઠક પર ચૂંટણી ખરાખરીનો જંગ રહી છે.

Next Video