Surat: બિલ્ડિંગ દુર્ઘટનામાં બેના મોત બાદ કોર્પોરેશનની કાર્યવાહી, આખી જ ઈમારતને સીલ કરી દેવાઈ

|

Mar 20, 2022 | 9:04 AM

સુરતના કતારગામમાં શનિવારે એક જૂની ફેક્ટરીની ઈમારત ઉતારવાની કામગીરી દરમિયાન દિવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં દટાયેલા બે લોકોને ફાયરબ્રિગેડના જવાનોએ બહાર કાઢીને સારવાર અર્થે ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા.

સુરત (Surat)ના કતારગામ સ્થિત વર્ષો જૂની ફેક્ટરીની જર્જરીત ઈમારત તોડી પાડવાના કામમાં બે લોકોના મોત (Death) બાદ મનપા તંત્રએ કાર્યવાહી કરી છે. મનપા (SMC) તંત્રએ આખી જ ઈમારતને સીલ કરી દીધી છે. તેમજ ઈમારતના માલિક ભાનુ ગોવિંદ ધાનાણી સામે પોલીસ ફરિયાદ (Police complaint) પણ નોંધાવી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં એક જૂની ઈમારત પડતા બે લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા છે. મનપાએ મિલકતદારને સમારકામ માટે અગાઉ બે-બે વખત નોટિસ પાઠવી હતી છતાં પણ મનપાની નોટિસને અવગણીની ઈમારતનું સમારકામ કરાયું ન હતું. આ બેદરકારીને કારણે દુર્ઘટનામાં બે માનવ જીંદગીનો ભોગ લેવાયો છે, ત્યારે મનપા તંત્ર સફાળું જાગ્યું છે અને ઈમારતને સીલ કરીને મિલકતદાર સામે પોલીસ ફરિયાદ નોંધી છે.

સુરતના કતારગામ વિસ્તારમાં શનિવારે એક જૂની ફેક્ટરીની ઈમારત ઉતારવાની કામગીરી દરમિયાન દિવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં દટાયેલા બે લોકોને ફાયરબ્રિગેડના જવાનોએ બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા. કિરણ હોસ્પિટલ નજીક જર્જરિત બિલ્ડિંગ ઉતારવાની કામગીરી સમયે આ દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં બિલ્ડિંગનો કાટમાળ પડતા નજીકમાં જ પાર્ક કરેલા 30થી વધુ ટુ-વ્હીલર પણ ક્ષતિગ્રસ્ત થયા છે.

ઘટનાની જાણ થતા સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી અને સ્થાનિક કાઉન્સિલરો દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા તો સુરત મનપામાં વિપક્ષના નેતા ધર્મેશ ભંડેરીએ અધિકારીઓની બેદરકારીના આક્ષેપ કર્યા તો ડેપ્યુટી મેયર દિનેશ જોધાણીએ કહ્યું કે બિલ્ડિંગ ઉતારવાની કામગીરી અંગે તંત્રને જાણ કરાઈ હતી કે કેમ તેની તપાસ કરાશે. જે બાદ સમગ્ર મામલે મનપા તંત્રએ કાર્યવાહી હાથ ધરી છે અને ઈમારતને સીલ કરી દીધી છે.

આ પણ વાંચો- Ahmedabad: 2 દિવસમાં નશો કરીને ડ્રાઈવ કરનારા 84 લોકો વિરુદ્ધ કેસ, હજુ પણ નિયમ તોડનારાઓની ખેર નથી

આ પણ વાંચો- દાદરાનગર હવેલી: યુવતીએ મોતને વ્હાલુ કરવા નદીમાં છલાંગ લગાવી, સ્થાનિક યુવકના સાહસે તેની જીંદગી બચાવી

Next Video