Gujarati Video : સુરતમાં વધ્યા H3N2ના કેસ, આરોગ્ય વિભાગ થયુ દોડતુ
Surat News : સવારે ઠંડી અને બપોરે આકરી ગરમી પડતા વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધ્યું છે. સાથે નવી સિવિલ હોસ્પિટલમાં H3N2ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
સુરતમાં બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો છે. સવારે ઠંડી અને બપોરે આકરી ગરમી પડતા વાયરલ ઇન્ફેક્શનનું પ્રમાણ વધ્યું છે. સાથે નવી સિવિલ હોસ્પિટલમાં H3N2ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં દૈનિક 100થી 125 કેસ આવી રહ્યા છે.બીજી તરફ છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના વધુ 4 કેસ પોઝિટિવ નોંધાતા તંત્રની ચિંતા વધી છે.
સુરતમાં હાલ ત્રણ દર્દી આઈસોલેશન હેઠળ છે. આશરે એક માસના અંતરાલ બાદ સુરતમાં કોરોનાના કુલ દર્દીનો આંકડો 13 થયો છે. લાજપોર જેલમાં કાચા કામના કેદી, ડભોલીનો યુવાન, અડાજણની મહિલા અને હીરાબાગનો વિદ્યાર્થી સંક્રમિત થયો છે.
આરોગ્ય વિભાગ એક્શનમાં
રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઉલ્ટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.
ગુજરાતમાં પણ H3N2 વાયરસના કેસ ખૂબ જ વધ્યા છે. ત્યારે ડૉકટર્સે દેશમાં ફેલાતા H3N2 ઈન્ફલ્યુએન્ઝા વિશે સાવચેત રહેવા અપીલ કરી છે. તેમણે કહ્યું કે આ વાયરસ પણ કોરોનાની જેમ જ ફેલાય છે. તેનાથી બચવા માટે, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરો અને વારંવાર તમારા હાથ ધોતા રહો.
વૃદ્ધો અને પહેલાથી જ કોઈપણ રોગથી પીડિત લોકોને આ રોગથી વધુ સમસ્યાઓ થઈ શકે છે. H3N2 ઈન્ફલ્યુએન્ઝાના સંક્રમિત દર્દીને 2-3 દિવસ સુધી તાવ રહે છે. શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં બળતરા, આ ઉપરાંત દર્દીને બેથી ત્રણ અઠવાડિયાંથી સતત ઉધરસ રહે છે.