સુરત (Surat) ના ABG શિપયાર્ડ દ્વારા 22 હજાર 842 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી (fraud) કેસમાં EDએ દરોડા પાડયા છે. ABG શિપયાર્ડના માલિકોના સુરત, મુંબઈ, પૂના સહિત 26 સ્થળે દરોડા પાડયા હતા. EDએ ABG શિપયાર્ડના પ્રમોટર ઋષિ કમલેશ અગ્રવાલના ઘરે અને ઓફિસે પણ સર્ચ કર્યું હતું. ABG શિપયાર્ડના ચેરમેન અને એમડી ઋષિ અગ્રવાલે અન્ય લોકો સાથે મળીને વર્ષ 2012થી 2017 દરમિયાન 28 બેન્ક સાથે કુલ 22,842 કરોડ રૂપિયાની લોનનો ગોટાળો કર્યો હોવાનો આરોપ છે. ઇડી આ કેસમાં સંબંધિત દસ્તાવેજો શોધી તેની તપાસ કરી રહી છે. આ મામલે સીબીઆઇએ ફેબ્રુઆરીમાં કેસ દાખલ કર્યો હતો. બેન્કના અધિકારીઓએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ઇડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો.
સીબીઆઇની એફઆઇઆર મુજબ એબીજી શિપયાર્ડે લોન લઇને 28 બેન્ક સાથે છેતરપિંડી કરી છે. એજન્સીએ ફેબ્રુઆરીમાં 22 હજાર કરોડના બેંક કૌભાંડનો કેસ નોંધ્યો હતો. જે બાદ હવે EDએ કાર્યવાહી કરીને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસને પોતાના કબજામાં લીધો છે અને તપાસ કરી રહી છે.
CBI અધિકારીના જણાવ્યા અનુસાર, એસબીઆઇના અધિકારીઓની ફરિયાદના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. CBI દ્વારા નોંધાયેલી FIR મુજબ, ABG શિપયાર્ડ લિમિટેડ નામની કંપની દ્વારા બેંક લોન લઈને છેતરપિંડીનો આરોપ છે. આ છેતરપિંડી મેસર્સ એબીજી શિપયાર્ડ લિમિટેડ કંપની અને તેના ડિરેક્ટર્સ દ્વારા લગભગ 28 બેંકો સાથે કરવામાં આવી હતી. તેથી, આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ 28 બેંકો દ્વારા CBI ને અરજી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Surat : નર્મદ યુનિવર્સીટી પેપર લીક મામલે પોલીસ ફરિયાદ થવાની સંભાવના