સુરતના અમરોલી વિસ્તારમાં અસામાજિક તત્ત્વો દ્વારા પોલીસને ખુલ્લી ચેલેન્જ આપી ઈન્સ્ટાગ્રામ લાઈવમાં ચપ્પુ બતાવી ભયનો માહોલ ઉભો કરતો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં બે-ત્રણ યુવકો ચપ્પુ બતાવી અસભ્ય ભાષા વાપરી રહ્યાં છે કે “કોઈ કંઈ બગાડી નહીં શકે.” આ ઘટના 18 માર્ચ ની હોવાનું જાણવા મળ્યું છે. હાલ સુરત પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.
આ લાઈવ સેશન અતુલ પાંડે નામની ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી કરાયું હતું. લાઈવ દરમિયાન કોઈ અન્ય વ્યક્તિએ સ્ક્રીન રેકોર્ડિંગ કરીને આ વીડિયો શેર કર્યો, જે હવે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.
સુરત પોલીસ દ્વારા આવા અસામાજિક તત્ત્વો સામે કાર્યવાહી કરી ઈન્સ્ટાગ્રામ આઈડી પર્માનેન્ટ ડિલિટ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. તેમ છતાં, આવા તત્ત્વો કોઈ ડર વિના સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોમાં ડરનો માહોલ ઉભો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હાલમાં આ વીડિયો લોકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
પોલીસે આ મામલે તપાસ ઝડપી બનાવી છે અને દોષિતો સામે સખત પગલા લેવામાં આવી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવી હરકતો ફરી ન થાય.
Published On - 4:45 pm, Thu, 20 March 25