સરકારી અનાજ સગેવગે કરવાનું મોટું કૌભાંડ! ઇડરમાં બ.કાં. પુરવઠા વિભાગના દરોડા, જુઓ
સાબરકાંઠા જિલ્લાના ઇડર માર્કેટયાર્ડમાં બનાસકાંઠા જિલ્લા પુરવઠા વિભાગની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના દાંતામાં દરોડા પાડવા દરમિયાન તેના તાર ઇડરમાં ખૂલ્યા હતા. જેને લઈ પુરવઠા વિભાગની ટીમોએ દરોડા પાડ્યા હતા. ચાર પેઢીઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
દાંતામાં બનાસકાંઠા જિલ્લાના પુરવઠા અધિકારી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતો. જેમાં સરકારી અનાજનો જથ્થો ઝડપાઈ આવ્યો હતો. મોટા પ્રમાણમાં સરકારી અનાજનો જથ્થો બારોબાર જ સગેવગે કરીને ખાનગી પેઢીઓને પધરાવવામાં આવતો હોવાના કૌભાંડને લઈ હવે પુરવઠા વિભાગે તપાસ શરુ કરી છે. દાંતામાં મળી આવેલા જથ્થા અને તેની પ્રાથમિક તપાસમાં સાબરકાંઠામાં તાર ખૂલતા જ બનાસકાંઠાની ટીમોએ ઇડરમાં દરોડા પાડ્યા હતા.
ઇડર માર્કેટયાર્ડમાં આવેલી ચાર પેઢીઓમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું પાલનપુર પુરવઠા અધિકારી કિરીટ ચૌધરીએ ટીવી9ને જણાવ્યુ હતુ. તેઓએ કહ્યુ હતુ કે, દાંતા અને ઇડરની પેઢી વચ્ચે સરકારી અનાજના જથ્થાની લે-વેચ કરાતી હોવાનું જણાયુ હતુ. જેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ માટે હિંમતનગર પુરવઠા વિભાગની ટીમોને પણ જાણ કરાતા તેઓએ કાર્યવાહી શરુ કરી છે. જે ટીમો દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે અને મોટો સરકારી અનાજનો જથ્થો મળી આવ્યો છે. જેમાં ખાસ કરીને ચોખાનો જથ્થો હોવાનું સામે આવ્યુ છે.
આ પણ વાંચો: વિજયનગરમાં બંધ મકાનમાં 5.75 લાખની ચોરીનો મામલો, સામે આવ્યા CCTV વીડિયો, જુઓ
બનાસકાંઠાની ટીમ દ્વારા મોટું રેકેટ ઝડપી પાડવામાં આવ્યુ છે અને સરકારી અનાજ સગેવગે કરનારા કેટલાક વેપારીઓ અને અધિકારીઓ પર તવાઇ આવી શકે છે. જોકે હાલ તો મોટો પર્દાફાશ બનાસકાંઠા પુરવઠા ટીમે કર્યો છે અને જેમાં મોટા કૌભાંડની વિગતો સામે આવી શકે છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો