બિલાવલ ભુટ્ટોના નિવેદનનો રાજ્યભરમાં ઠેર-ઠેર વિરોધ, જામનગર અને વડોદરા જિલ્લા ભાજપે પૂતળા દહન કરી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો

| Edited By: | Updated on: Dec 17, 2022 | 5:11 PM

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદી વિશે કરેલી અભદ્ર ટિપ્પણીનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે. જામનગરમાં અને વડોદરામાં જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો, ભુટ્ટોના પૂતળાનું દહન કરી કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યુ હતું.

પાકિસ્તાનના વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ પીએમ મોદી વિશે કરેલ આપત્તિજનક ટિપ્પણનો દેશભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે. લોકોએ રસ્તા પર ઉતરી આવી બિલાવલ ભુટ્ટોના પૂતળા સળગાવી વિરોધ કરી રહ્યા છે. ત્યારે જામનગરમાં પણ બિલાવલ ભુટ્ટો જરદારીનો વિરોધ કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં લોકોએ ભુટ્ટોના પૂતળાનું દહન કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ અને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો.

જામનગર જિલ્લા ભાજપ દ્વારા બિલાવલ ભુટ્ટોના પૂતળા બાળી વિરોધ

જિલ્લા ભાજપના કાર્યકર્તાઓએ જણાવ્યુ કે બિલાવલ ભુટ્ટોની પીએમ મોદી વિશે કરેલી અભદ્ર ટિપ્પણીના વિરોધમાં રાષ્ટ્રીય સ્તરેથી લઈ સમગ્ર જિલ્લા મહાનગરના યુવા મોરચા દ્વારા તેમનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો. તેમના પૂતળાનું દહન કરવામાં આવ્યુ હતુ.

વડોદરામાં બિલાવલ ભુટ્ટોના વિરોધમાં કલેક્ટરને પાઠવ્યુ આવેદનપત્ર

આ તરફ વડોદરામાં પણ પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોનો વિરોધ કરવામાં આવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે કરેલ નિવેદનનો વડોદરા શહેર ભાજપે ઉગ્ર વિરોધ કર્યો. બિલાવલ ભુટ્ટોના પૂતળાનું દહન કરી વિરોધ વ્યક્ત કર્યો અને કલેક્ટરને આવેદન પણ પાઠવ્યુ. ભાજપના વિરોધ પ્રદર્શનમાં સાંસદ સહિત ભાજપના નેતાઓ કાર્યકરો જોડાયા હતા. તેમણે બિલાવલ ભુટ્ટો મુર્દાબાદના નારા લગાવ્યા હતા. ભાજપના નેતાઓની માગ છે કે બિલાવલ ભુટ્ટો પીએમ મોદીની માફી માગે.

ઉલ્લેખનીય છે કે ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે આતંકવાદનું કેન્દ્ર ગણાવ્યુ હતુ. ત્યારબાદ બિલાવલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યુ હતુ. બિલાવલે પણ તેમના પૂર્વ નેતાઓની પરંપરાને જાળવી રાખતા ભારત વિરુદ્ધ અને ભારતના પીએમ વિરુદ્ધ ઝેર ઓક્યુ છે.