સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ ડિમોલિશન મુદ્દે ઉચ્ચારી ચીમકી, કહ્યું તમારો સાથ હોય તો બુલડોઝર રોકાવી દેત- વીડિયો
સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ દબાણ હટાવ કામગીરી મુદ્દે તંત્ર સામે ચીમકી ઉચ્ચારી છે. વિમલ ચુડાસમાએ તંત્રની ડિમોલિશન કામગીરી મુદ્દે ચીમકી ઉચ્ચારી કે જો બળજબરી થતી હોય તો મને કહેજો, 108ની સ્પીડે આવી જઈશ. ધારાસભ્યે વધુમાં કહ્યુ કે તંત્ર કે ધારાસભ્ય કે સાંસદ બધા તમારા થકી જ છે.
ગીર સોમનાથમાં તંત્ર દ્વારા મહા ડિમોલિશન હાથ ધરાયું છે. સોમનાથ મંદિરની પાછળના ભાગમાં આવેલી જમીન પરના દબાણને ખાલી કરાયા છે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના ઘટે તે માટે પોલીસનો કાફલો ઉતારી દેવાયો હતો. ત્યારે આ દબાણ દૂર કરવા મુદ્દે સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાં જાહેર મંચ પરથી બોલ્યા અને ચીમકી આપી કે જો તમારી સાથે જબરદસ્તી થતી હોય અને તેમને લાગે કે મારી જરૂર છે તો મને 7 કલાકે કોલ કરજો, હું 108ની સ્પીડે આવી જઇશ અને તમારી સાથે ઊભો રહીશ. પરંતુ એકલા વિમલ ચુડાસમાથી કંઇ ના થાય, તમારે પણ સાથ આપવો પડે. તમે એક વખત કહ્યું હોત તો બુલડોઝર રોકાવી દેત, પછી ભલે કોઇ તંત્ર હોય કે મંત્રી, ધારાસભ્ય હોય કે સાંસદ હોય. તમારા થકી જ આ બધા લોકો છે, જનતા જ સર્વોપરી છે અને રહેશે.
વિમલ ચુડાસમાએ ચીમકી ઉચ્ચારી કે જો કદાય તમારી સાથે જબરદસ્તી કરે તો મને ફોન કરજો, જે અધિકારી હોય, જેના બુલડોઝર હોય CRF હોય, SRP હોય એને એકવાર રિવર્સમાં ન મોકલુ તો મારુ નામ વિમલ નહીં. પરંતુ એકલા વિમલથી ન થઈ શકે, તમારો ય સાથ જોઈએ, કારણ કે હંમેશા ગાંધી ચીંધ્યા માર્ગે સામે જ્યારે બેઠા હોય કે સામે જ્યારે ઉભા હોય ત્યારે વાતોથી નહીં પણ માથા ગણાતા હોય. એ સરકાર હોય, ગમે તેવો ધારાસભ્ય હોય, સાંસદ હોય કે ગમે તેવો મંત્રી હોય, તેને પાછળ હટવુ પડે. કારણ કે એ છેવટે તમારા થકી છે.
સોમનાથમાં 144 પાથરણાવાળાને હટાવવામાં આવ્યા
આપને જણાવી દઈએ કે ગીરસોમનાથમાં સતત બે દિવસ સુધી મેગા ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી. જેમા સોમનાથ મંદિર આજુબાજુના તમામ દબાણો દૂર કરવામાં આવ્યા છે અને સમગ્ર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. યાત્રાધામોના વિસ્તૃતિકરણ પ્રોજેક્ટ અંતર્ગત બે દિવસ મેગાડિમોલિશન કરાયુ હતુ. જેમા સોમનાથ સમુદ્રની પાછળ અને મંદિર જવાના દરવાજા તરફ સરકારી જમીનમાં બેસતા 144 જેટલા પાથરણાવાળાને હટાવી દેવામાં આવ્યા છે. હવે આ પાથરણાવાળાઓને વૈકલ્પિક જગ્યા ત્રિવેણી રોડ પર રામમંદિર નજીક ફાળવવામાં આવશે.
સોમનાથમાં હમીરજી સર્કલ, ગૌરીકુંડ સુધીમાં આવેલા તમામ પાથરણાવાળાઓના ગલ્લા અને ઓટા તોડી પાડવામાં આવ્યા હતા. જિલ્લા પોલીસ વડાના જણાવ્યા મુજબ કોઈપણ સંજોગોમાં એક પણ દબાણ ચલાવી લેવામાં આવે નહીં આવે. દબાણ હટાવવા માટે તેમને નોટિસ અપાઈ હતી. આથી અનેક લોકોએ તેમના દબાણ પરથી માલસામાન ભરી લીધા હતા . ત્યારબાદ ડિમોલિશન કામગીરી હાથ ધરાઈ હતી.
Input Credit- Yogesh Joshi- Gir Somnath
ગીર સોમનાથ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો