Gandhinagar : અધ્યક્ષ પદ માટે શંકર ચૌધરીએ ભર્યું ઉમેદવારી ફોર્મ, આવતીકાલે લેશે શપથ
જ્યારે પણ વિધાનસભાનું (Assembly session) સત્ર યોજાય ત્યારે તેને નિયમાનુસાર ચલાવવાની જવાબદારી અધ્યક્ષની હોય છે. ગૃહમાં કોઇ પણ પક્ષના ધારાસભ્યને અન્યાય ન થાય તે રીતે તેમના મતવિસ્તારના પ્રશ્ન રજુ કરવા માટે પણ તેમને તક આપવામાં આવતી હોય છે.
20 ડિસેમ્બર એટલે કે આવતીકાલે વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી થવાની છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદ માટે શંકર ચૌધરી જ્યારે ઉપાધ્યક્ષ તરીકે જેઠા ભરવાડે ઉમેદવારી ફોર્મ ભર્યું છે. બપોરે 11 કલાકે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સીઆર પાટીલની ઉપસ્થિતિમાં બંને નેતાઓ વિધાનસભાના સચિવની ઓફિસમાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે ઉમેદવારી ફોર્મ ભરીને સચિવને સોંપ્યું હતું. ત્યારે શંકર ચૌધરી સત્તાવાર રીતે વિધાનસભામાં સ્પીકર તરીકે ચાર્જ સંભાળતા પહેલા આજે ભાજપના સક્રિય પદેથી રાજીનામું આપશે.
કોણ છે શંકર ચૌધરી ?
બનાસકાંઠાની થરાદ વિધાનસભા બેઠકથી ચૂંટાયેલા શંકર ચૌધરી બનાસ ડેરીના ચેરમેન છે. તે ચૌધરી સમાજનો એક એવો ચહેરો છે જે ચૂંટણીમાં આગળ ચાલતા હતા અને તે બનાસકાંઠાનું સૌથી મોટુ માથુ છે. શંકર ચૌધરી 2014માં રાજ્યકક્ષાના પ્રધાન અને ભાજપના મહામંત્રી પણ રહી ચૂક્યા છે. આ ઉપરાંત ગુજરાત રાજ્ય સહકારી બેંકના વાઈસ ચેરમેન છે. બીજી તરફ પંચમહાલ જિલ્લાની શહેરા વિધાનસભા બેઠકથી સતત પાંચ-છ ટર્મથી જીતતા જેઠા ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન છે અને પંચમહાલ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પણ છે. જેઠા ભરવાડની સહકારી ક્ષેત્ર અને સંગઠનમાં પણ સારી પકડ છે.
વિધાનસભા અધ્યક્ષનું શું મહત્વ ?
જ્યારે પણ વિધાનસભાનું સત્ર યોજાય ત્યારે તેને નિયમાનુસાર ચલાવવાની જવાબદારી અધ્યક્ષની હોય છે. ગૃહમાં કોઇ પણ પક્ષના ધારાસભ્યને અન્યાય ન થાય તે રીતે તેમના મતવિસ્તારના પ્રશ્ન રજુ કરવા માટે પણ તેમને તક આપવામાં આવતી હોય છે. ગૃહમાં રોજબરોજના કામગીરીની નિયમઅનુસાર સંચાલન કરાવવાની જવાબદારી પણ વિધાનસભાના અધ્યક્ષના સીરે હોય છે. ધારાસભ્યોના વિશેષ અધિકાર જાળવવાની કામગીરી પણ વિધાનસભા અધ્યક્ષની હોય છે. છ મહિનામાં એક વાર વિધાનસભાનું સત્ર બોલાવવું ફરજીયાત છે. જેથી વર્ષમાં બે વાર શિયાળુ-બજેટ સત્ર અને ચોમાસુ સત્ર યોજાતુ હોય છે. જે નિયમ અનુસાર ચલાવવાની કામગીરી વિધાનસભા અધ્યક્ષ કરે છે.