માવઠાની આગાહીથી ચિંતામાં મુકાયા સૌરાષ્ટ્રના ખેડૂતો, મગફળીનો પાક લેવા સમયે જ વરસાદના એંધાણથી મોટા નુકસાનની ભીતિ- Video

હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી અને વાસ્તવિક માવઠાને કારણે સૌરાષ્ટ્રના મગફળી પકવતા ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે. મગફળીની લણણી સમયે જ જો વરસાદ થશે તો ગીર સોમનાથ અને જુનાગઢ સહિતના વિસ્તારોમાં ઉભા અને કાપેલા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે.

| Edited By: | Updated on: Oct 26, 2025 | 6:45 PM

હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે અને રાજ્યના ઘણાં વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો પણ છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લામાં મગફળી પકવતા ખેડૂતો પર ચિંતાના વાદળ ઘેરાયા છે. હાલ મગફળીની લણણીની સિઝન શરૂ છે. ઘણાં ખેતરોમાં મગફળીના પાથરા પડ્યા છે તો કેટલાક ખેડૂતો મગફળીનો પાક લેવાની તૈયારી કરી રહ્યા છે પરંતુ વરસાદની આગાહીના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદની આગાહીના કારણે ખેડૂતોએ હવે મગફળીનો લણણી કરવાનું થોડા સમય માટે મુલતવી રાખ્યું છે. પરંતુ જે ખેડૂતોએ પહેલાથી મગફળીની લણણી કરી લીધી છે તેઓ ચિંતામાં મુકાયા છે. જો આવા સંજોગોમાં વરસાદ પડશે તો ખેડૂતોના હાથમાં કશું જ નહીં આવે અને ખેડૂતોની કમાણી પર વરસાદી પાણી ફરી વળશે.

આ તરફ જુનાગઢ જિલ્લામાં પણ બે દિવસથી વરસાદી માહોલ જામેલો છે જેને પગલે મગફળીના પાકને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે. કારતકમાં અષાઢી માહોલ સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. માવઠાના મારને લીધે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જુનાગઢના ઝાંઝરડા ગામમાં મગફળી અને સોયાબીનના ઊભા પાક ઢળી પડ્યા છે અને ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. બીજી તરફ ટેકાના ભાવે મગફળીની ખરીદી અંગે પણ અસમંજસ છે. જેને લીધે ખેડૂતોની ચિંતા વધી છે.

ખેડૂતોની અને ખેડૂત આગેવાનોની એક જ માગ છે કે સરકાર સત્વરે મદદ કરે. જો ખેડૂતોને મદદ નહીં મળે તો તેમની સ્થિતિ કફોડી બની શકે છે. પહેલાં જ માવઠાને લીધે નુકસાની છે અને હજુ તંત્ર દ્વારા આગામી દિવસોમાં કમોસમીની આગાહી કરાઈ છે. ખેડૂતોનું કહેવું છે કે જો હવે વરસાદ વરસ્યો. તો પાકમાં કશું જ લેવા જેવું નહીં રહે.

જો અમેરિકામાં શટડાઉન લાંબુ ખેંચાયુ તો મહાસત્તાનું સિંહાસન ડોલવા લાગશે કે કેમ?– વાંચો

 

Published On - 6:28 pm, Sun, 26 October 25