સુરતમાંથી એક એવી ઘટના સામે આવ્યો છે, જેમાં ભક્તિ અને મનોરંજન વચ્ચેની રેખા પર મોટો સવાલ ઉભો થયો છે. સરસ્વતી પૂજાના નામે યોજાયેલા કાર્યક્રમમાં સ્ટેજ પર ઠુમકા લાગ્યા, અને હવે એ કાર્યક્રમ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વિવાદનું કેન્દ્ર બન્યો છે. વસંત પંચમીએ આનંદ પાર્ક સોસાયટીમાં યોજાયેલા આ કાર્યક્રમને લઈને લોકોમાં રોષ અને સવાલ બંને ઉઠ્યા છે.
વસંત પંચમીના દિવસે સરસ્વતી માતાની આરાધના માટે સુરતના આનંદ પાર્ક સોસાયટીમાં સાર્વજનિક પૂજાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ આનંદ પાર્ક સોસાયટી તેમજ મિત્ર મંડળ દ્વારા યોજાયો હતો. પરંતુ પૂજાના નામે યોજાયેલા આ કાર્યક્રમમાં બહારથી ડાન્સરોને બોલાવી સ્ટેજ પર ડાન્સ કરાવવામાં આવ્યો. સ્ટેજ પર થતા ઠુમકાઓના દ્રશ્યો જોઈને કેટલાક સ્થાનિક નાગરિકો નારાજ થયા અને આ મામલે ખુલ્લેઆમ વિરોધ પણ કર્યો.
કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ મામલો ગરમાયો. પૂજાના મંચ પર આવા ડાન્સ યોગ્ય છે કે નહીં એ મુદ્દે અનેક સવાલો ઉઠવા લાગ્યા. વાયરલ વીડિયોમાં ભક્તિ કરતા વધારે મનોરંજન દેખાતું હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં સ્થાનિક કોર્પોરેટરની હાજરી પણ જોવા મળી હતી. જે બાદ પ્રશ્નો વધુ ગંભીર બન્યા. પૂજાના નામે યોજાયેલા કાર્યક્રમમાં આવી પ્રવૃત્તિઓને તંત્રની મૌન સંમતિ હતી કે નહીં એ મુદ્દે પણ ચર્ચા શરૂ થઈ છે.
જ્યારે એક તરફ આયોજક પોતાનો બચાવ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ સ્થાનિક લોકોનો સ્પષ્ટ વિરોધ જોવા મળ્યો. લોકોનું કહેવું છે કે પૂજાના મંચ પર આ પ્રકારનું પ્રદર્શન ભક્તિની ભાવનાને ઠેસ પહોંચાડે છે.
સવાલ એ નથી કે કાર્યક્રમ થયો, સવાલ એ છે કે કાર્યક્રમ ક્યાં સુધી યોગ્ય હતો. ભક્તિના મંચ પર મનોરંજનના નામે આવી પ્રવૃત્તિઓ સમાજ માટે શું સંદેશ આપે છે? હવે જોવાનું એ રહેશે કે તંત્ર આ મામલે કોઈ કાર્યવાહી કરે છે કે પછી આ વિવાદ માત્ર સોશિયલ મીડિયામાં જ સીમિત રહેશે.
Published On - 8:32 pm, Sat, 24 January 26