સાબર ડેરી (Sabar Dairy)એ દૂધના ભાવમાં વધારો કરતા પશુપાલકોમાં ખુશીનો માહોલ છવાયો છે, સાબર ડેરીએ પશુપાલકો (Pastoralists) પાસેથી ખરીદવામાં આવતા ભેંસના દૂધ અને ગાયના દૂધના ખરીદ ભાવમાં (Milk Price) એક મહિનામાં બીજી વાર વધારો કર્યો છે. આ નવા ભાવથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના 3.50 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને લાભ મળશે.
ફરી એકવાર સાબર ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ગાય અને ભેંસના દૂધના કિલોફેટના ભાવમાં એક મહિનામાં બીજી વાર વધારો કરવામાં આવ્યો છે. ભેંસના દૂધમાં કિલોફેટે 10 રૂપિયાનો વધારો કરાયો છે. જેથી હવે ભેંસનું દૂધ 730 રૂપિયા કિલોફેટ પશુપાલકો પાસેથી ખરીદવામાં આવશે તો ગાયના દૂધમાં 4.60 રૂપિયા કિલોફેટે વધારો કરાયો છે. જેને લઈ હવે ગાયના દૂધના પ્રતિ કિલોફેટે પશુપાલકોને 313.60 રૂપિયા ચૂકવાશે. આ નિર્ણયથી સાબરકાંઠા જિલ્લાના પશુપાલકોમાં ખુબ જ ખુશી જોવા મળી રહી છે. આ નવો ભાવ વધારો આગામી 21 માર્ચથી અમલ કરવામાં આવશે. સાબર ડેરીના આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લીના સાડા ત્રણ લાખ પશુપાલકોને ફાયદો થશે.
આગામી ઉનાળાના દિવસમાં દૂધની આયાત ઓછી થાય છે તેવી સ્થિતિમાં પશુપાલકોને આર્થિક નુકસાન ન જાય અને તેમને પોષણક્ષમ ભાવો મળી રહે તે હેતુથી સાબર ડેરીએ આ નિર્ણય લીધો છે. નોંધનીય છે કે આ ભાવવધારા સાથે પશુપાલકોને સૌથી વધુ ભાવ આપતી ડેરીઓમાં સાબર ડેરી શિખરે પહોંચી ગઈ છે.
આ પણ વાંચો- તમારા બાળકોની મદદથી આ રીતે ટેક્સ બચાવો, જાણો ટેક્સ બચાવવાની 5 રીતો
Published On - 3:06 pm, Sat, 19 March 22