બજારમાંથી ફરાળી વાનગી ખરીદતા પહેલા ચેતી જજો ! ભેળસેળનો ખતરો

બજારમાંથી ફરાળી વાનગી ખરીદતા પહેલા ચેતી જજો ! ભેળસેળનો ખતરો

| Edited By: | Updated on: Aug 02, 2022 | 4:02 PM

ઘણા એવા વેપારીઓ હોય છે જે ફરાળીના નામે લોકોની આસ્થા અને આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. આવા વેપારીઓ સામે રાજકોટ (Rajkot) મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે

શ્રાવણ મહિનાની (Shrawan 2022) શરુઆત થઇ ગઇ છે. શ્રાવણ માસમાં લોકો ઉપવાસ કરતા હોય છે અને ફરાળી વાનગી આરોગતા હોય છે. ત્યારે ફરાળી વાનગી આરોગતા આ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે રાજકોટ (Rajkot) કોર્પોરેશનના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ (Department of Food and Drugs) દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ફરાળી પેટિસ વેચતા એકમોમાં તવાઇ બોલાવવામાં આવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કુલ 33 દુકાનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જે દરમિયાન 4 વેપારીઓને ફૂડ સ્ટાન્ડર્ડ એક્ટ અંતર્ગત નોટિસ જાહેર કરવામાં આવી છે. આ વેપારીઓની દુકાનોમાંથી મળેલા અખાદ્ય જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.

ફરાળી વાનગીઓ પર તવાઇ

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આવા સમયે પણ કમાણીની લ્હાયમાં વેપારીઓ ફરાળીમાં પણ ભેળસેળ કરતા અચકાતા નથી. રાજકોટ કોર્પોરેશનના ફૂડ વિભાગે એવા વેપારીઓ સામે તવાઈ બોલાવી છે જેઓ ફરાળી વસ્તુઓમાં પણ ભેળસેળ કરે છે. ઘણા એવા વેપારીઓ હોય છે જે ફરાળીના નામે લોકોની આસ્થા અને આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. આવા વેપારીઓ સામે રાજકોટ મહાનગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરી છે. ફરાળી પેટીસ અને અલગ-અલગ ફરાળી વસ્તુઓમાં થતી ભેળસેળ અટકાવવા વિવિધ 33 દુકાનોમાં ચેકિંગ કરાયું છે. આ દરમિયાન બળેલા તેલ અને ભેળસેળયુક્ત ફરાળી પેટીસનો નાશ કરવામાં આવ્યો છે.. જેમાં ધનલક્ષ્મી ફરસાણની દુકાનમાંથી 50 કિલો પેટીસ, શ્રીનાથજી ફરસાણમાંથી 10 કિલો પેટીસ, ભગવતી ફરસાણમાંથી 7 કિલો બળેલું તેલ અને સંતોષ ડેરી ફાર્મમાંથી 3 કિલો બળેલા તેલનો નાશ કરવામાં આવ્યો છે. ફૂડ વિભાગે ફૂડ સ્ટાન્ડર્ડ એક્ટ હેઠળ 4 વેપારીઓ પાસેથી નમૂના લીધા છે.

Published on: Aug 02, 2022 03:59 PM