Gujarati Video : અમદાવાદના SP રિંગરોડથી રાજપથ ક્લબ સુધીના માર્ગમાં ખામી, ફક્ત દેખાડો કરવા માટે જ રસ્તો બનાવ્યો હોવાનો આક્ષેપ
અમદાવાદના (Ahmedabad) સરદાર પટેલ રિંગરોડથી રાજપથ ક્લબ સુધીનો રસ્તો વાહનચાલકોની પરેશાનીનું કારણ બન્યો છે. આ પરેશાની માટે AMCનું અનઘડ તંત્ર જવાબદાર હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.
મેટ્રો સિટી અમદાવાદનો એક માર્ગ એવો પણ છે જે વાહનચાલકોના કેડના મણકા ઢીલા કરી રહ્યો છે. અમદાવાદના રાજપથ ક્લબ રોડ પર અને સરદાર પટેલ રિંગરોડથી રાજપથ ક્લબ સુધીનો રસ્તો વાહનચાલકોની પરેશાનીનું કારણ બન્યો છે. આ પરેશાની માટે AMCનું અનઘડ તંત્ર જવાબદાર હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. અહીં AMCના એન્જિનિયરોએ માર્ગ નિર્માણના નીતિ નિયમો નેવે મુકી દીધા છે અને દેખાડો કરવા ડામરનો રોડ બનાવી દીધો છે.
અહીં સ્પિડ બ્રેકર છે પરંતુ કોઇ સૂચના કે વ્હાઇટ સાઇન નથી. ખાડા પુરવા કરેલું પેચવર્ક પણ આડેધડ કરતા મુશ્કેલી વધી છે. આવી સ્થિતિમાં અહીંથી પસાર થતા વાહનો ઉંધા મોઢે પછડાય છે. સ્પિડ બ્રેકર અંગેના સિગ્નલ કે સૂચનાના અભાવે વાહનો રમકડાંની જેમ કૂદી રહ્યા છે. ત્યારે સ્થાનિકોની માગ છે કે AMCએ આ મુદ્દે ધ્યાન આપવું જોઇએ.
સરદાર પટેલ રિંગરોડથી રાજપથ ક્લબ સુધીનો રસ્તા પર રોજ હજારો વાહનોના સ્ક્રૂ સાથે વાહનચાલકોના કેડના મણકાં પણ ઢીલા થઇ રહ્યા છે. AMCના ભ્રષ્ટ તંત્રના પાપે પ્રજા પરેશાન છે, પરંતુ જાડી ચામડીના અધિકારીઓના પેટનું પાણી નથી હલી રહ્યું. ત્યારે વાહનચાલકો પણ માગ કરી રહ્યા છે કે શહેરને શોભે તેવા રસ્તા બનાવવા જોઇએ.
અહીં સવાલ એ સર્જાય કે શું જાણી જોઇને રસ્તાના કામમાં વેઠ વાળવામાં આવી છે. જો કોઇ વ્યક્તિ કે વાહનને નુકસાન થશે તો જવાબદારી કોની. ટેક્સ ચૂકવ્યા બાદ પણ કેમ સારા રસ્તાનું સુખ શહેરીજનોને નથી મળતું.