જૂનાગઢની સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની લટાર, CCTVમાં ઘટના કેદ
જૂનાગઢના પાતાપુર નજીક આવેલી સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાની અનોખી લટાર CCTVમાં કેદ થઈ છે. ગેટ નીચેથી સરકીને ફેક્ટરી પરિસરમાં ઘૂસી આવેલા આ બચ્ચાએ થોડા સમય સુધી આંટાફેરા કર્યા બાદ તે બહાર નીકળી ગયું હતું. આ ઘટના માનવ-વન્યજીવ સંઘર્ષનો વધુ એક કિસ્સો દર્શાવે છે.
જૂનાગઢના પાતાપુર નજીક આવેલી એક સિમેન્ટ ફેક્ટરીમાં સિંહના બચ્ચાના પ્રવેશનો એક દુર્લભ વીડિયો સામે આવ્યો છે. આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં એક સિંહનું બચ્ચું ફેક્ટરીના ગેટ નીચેથી સરકીને અંદર પ્રવેશી રહ્યું છે તે સ્પષ્ટપણે જોવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ સિંહનું બચ્ચું ફેક્ટરી પરિસરમાં થોડા સમય સુધી ફર્યા બાદ ફરી ગેટ નીચેથી બહાર નીકળી ગયું હતું. આસપાસના વિસ્તારમાં સિંહોના અવારનવાર આંટાફેરા જોવા મળતા હોય છે, પરંતુ ઔદ્યોગિક વિસ્તારમાં સિંહના બચ્ચાની આ રીતની એન્ટ્રી ચોક્કસ ચોંકાવનારી છે.
આ ઘટના પહેલાં ફેક્ટરી નજીક માતા સિંહણ સહિત બે સિંહણ અને બે બચ્ચાં પણ દેખાયા હતા. વન્યજીવ પ્રેમીઓ માટે પણ આ દુર્લભ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ગીર અને આસપાસના વિસ્તારમાં માનવ વસાહતોની નજીક સિંહોની અવરજવર સામાન્ય બની રહી છે, ત્યારે આ કિસ્સો માનવ-વન્યજીવ સંઘર્ષના વધતા બનાવો તરફ ધ્યાન દોરે છે.
ચોધાર આંસુએ રડી વૃદ્ધા, વડોદરામાં દબાણ શાખાની કાર્યવાહીમાં કમાણીનું એક માત્ર સાધન જપ્ત, જુઓ Video
